સમુદાયોને એકસાથે લાવવા અને આપણા મૂલ્યોની ઉજવણી કરવા ઇન્ડિયન હેરિટેજ સેન્ટર (IHC) યુકેનું સોફ્ટ લોંચ તા. 7મી ઓક્ટોબર 2023ના રોજ લલાનિશેન બેપ્ટિસ્ટ ચર્ચ હોલ કાર્ડિફ ખાતે કરવામાં આવ્યું હતું.
IHC ના સ્થાપક અને CEO શ્રીમતી તૃપ્તિ મેગેરીએ સહ-સ્થાપક શ્રી પ્રદીપ જોઈસ સાથે મહેમાનો અને મહાનુભાવોનું સ્વાગત કરી સંસ્થાના મિશન અને ઉદ્દેશ્યોને ટૂંકમાં સમજાવ્યા હતા. IHCના મુખ્ય ઉદ્દેશ એકલતા અને સામાજિક દૂરીને ઘટાડીને સામાજિક સમન્વય અને સમાવેશને આગળ વધારવાનો, પાયાના સ્તરે સાંસ્કૃતિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને વેલ્સ સરકારના જાતિવાદ વિરોધી વેલ્સ એક્શન પ્લાનને સમર્થન આપવાનો છે.
મુખ્ય અતિથિ તરીકે ઓનરરી કોન્સલ ઓફ ઈન્ડિયા વેલ્સ કેપ્ટન રાજ અગ્રવાલ, OBE એ IHC ટીમને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે ‘’વારસો આપણા માટે ખૂબ જ કિંમતી છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એકતા અને સમાવેશને પ્રોત્સાહન આપે છે.’’
તેમણે IHC જેવી સંસ્થાઓના મહત્વ પર ભાર મૂકી IHC ના મુખ્ય સંદેશ “વસુધૈવ કુટુંબકમ”ની પ્રશંસા કરી હતી.
કાઉન્સિલર જસ્મીન ચૌધરીએ IHC ના મિશન અને ઉદ્દેશ્યોની પ્રશંસા કરી હતી. બ્રિટિશ આર્મીના મેજર પીટર હેરિસન, રોયલ નેવીના સુઝૈન લિંચ અને સાઉથ વેલ્સ પોલીસના PCSO પૌલિનાએ IHC ટીમને અભિનંદન પાઠવી ટેકો આપવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં સમાન મૂલ્યો અને ઉદ્દેશ્યો ધરાવતા વેલ્સ તમિલ સંગમના શ્રીમતી કલ્પના નટરાજન, રેખા નાટ્ય એકેડમીના શ્રીમતી રેખા ગિરીશ, સનાતન ધર્મ મંદિરના શ્રીમતી સુધા ભટ, NWAMI તરફથી ડૉ. સિબાની રોય, ભક્તિધામના રાધિકા કડાબા, શ્રી રિકાર્ડો કાલિલ, શ્રી હિરેન જોષી, વેલ્શ મહારાષ્ટ્ર મંડળ, ટાય સિમરુના શ્રી તારકનાથ, કન્નડ વેલ્સ તરફથી સુનિલ કુલકર્ણીએ શુભેચ્છાઓ પાઠવી મદદ માટે ટેકો આપ્યો હતો.
બ્રિસ્ટોલ મલ્ટી ફેઇથ ફોરમના અધ્યક્ષ એવા મેયર એમેરિટસ ક્લેર ટોમ આદિત્યએ સેન્ટરને શુભેચ્છા પાઠવી હતી. તો ડૉ. સુનિલ પુલાપાકાએ એક વર્કશોપનું સંચાલન કર્યું હતું. વર્કશોપને ડો. ગીરીશ કોઠેગલે સહયોગ આપ્યો હતો. IHC ટીમે સેન્ટરના વિચાર માટે ગવર્નિંગ મેમ્બર ડૉ. દીપક મેગેરી તરફથી મળેલી પ્રેરણા અને સમર્થનને સ્વીકાર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. ગિરીશે ગણેશ પ્રાર્થના કરી હતી અને દીપ પ્રગટાવી સમારોહના આરાંભ કરાયો હતો.