યુકેમાં કોવિડ-19 વખતે થયેલી પાર્ટીઓ અંગેની તપાસમાં પૂર્વ વડા પ્રધાન બોરિસ જૉન્સનના એક વખતના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સના વોટ્સએપ સંદેશાઓમાં સિવિલ સર્વિસ માટે હતાશા વ્યક્ત થતી હોવાનું બહાર આવ્યું છે. તેમના સંદેશાઓ પડદા પાછળની અરાજકતા અને વિલંબનો સંકેત આપતા હતા.
ડોમિનિક કમિંગ્સે દાવો કર્યો હતો કે સિવિલ સર્વન્ટ્સ રોગચાળાની શરૂઆતમાં જાહેર આરોગ્ય સલાહ આપવામાં વિલંબ કરવા માંગતા હતા કારણ કે તેઓ ‘વિકએન્ડમાં કામ કરતા નથી.’
જૉન્સનને લખેલા એક સંદેશમાં, કમિંગ્સે લખ્યું હતું કે “આપણે આવતા અઠવાડિયે નહીં પણ આજે જ જાહેરાત કરવી જોઈએ કે ‘જો શરદી/ફ્લૂથી બીમાર હો તેવું લાગે તો ઘરે જ રહો’. કેટલાક કેબિનેટ ઓફિસના (અધિકારીઓ) વિલંબ ઇચ્છે છે. કેમ કે તેમણે કામ કર્યું નથી અને વિકેન્ડમાં તેઓ કામ કરતા નથી. આપણે આજે ઝડપ માટે દબાણ કરવું જોઈએ. અમે લાખથી દોઢ લાખ લોકોના મૃત્યુ જોઈ રહ્યા છીએ.’’
કમિંગ્સે સિવિલ સર્વિસમાં શું થઈ રહ્યું છે તેની જાણ ન હોવા બદલ તત્કાલીન કેબિનેટ સેક્રેટરી સર માર્ક સેડવિલની પણ ટીકા કરી હતી.
તેમણે એક સંદેશમાં દાવો કર્યો હતો કે તેમણે અને વડા પ્રધાનના અન્ય સલાહકારોને સિવિલ સર્વિસની નિષ્ક્રિયતાને કારણે “ડ્રાઇવ અને ડાયરેક્ટ” કરવું પડ્યું હતું. તેમણે સંદેશમાં લખ્યું હતું કે “અમને મોટી સમસ્યાઓ આવી રહી છે. કેબઓફ ભયાનક રીતે ખરાબ છે, કોઈ યોજના નથી, ગતિથી તદ્દન પાછળ છે.”