સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર હુમઝા યુસફની પત્ની નાદિયા અલ-નક્લાએ તા. 15ના રોજ સ્કોટલેન્ડના એબરડીનમાં SNP કોન્ફરન્સમાં ઇઝરાયેલ ગાઝાને “આતંકીત” કરી રહ્યું હોવાનો આરોપ મૂકી પેલેસ્ટિનિયન પ્રદેશ પર ઇઝરાયેલ આક્રમણ કરે તે પહેલા ત્યાંના દરેક લોકો મરવાની રાહ જોઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.
નાદિયાની માતા એલિઝાબેથ અને પેલેસ્ટાઈનમાં જન્મેલા પિતા મેગેડ તેમની 93 વર્ષીય માતાની મુલાકાત લેવા ડંડીથી પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝામાં ગયા હતા જ્યાં તેઓ હાલમાં ફસાઇ ગયા છે.
મનોચિકિત્સક નાદિયાએ જણાવ્યું હતું કે ‘’ગાઝામાં મારા પરિવારના સભ્યો સહિત લોકોને “છેલ્લી વખતની જેમ” અલવિદા કહેવાની ફરજ પડી હતી. ગાઝામાં મારો ડૉક્ટર ભાઈ તબીબી પુરવઠાની અછતને કારણે ઘાયલ લોકોની સારવાર કરવામાં અસમર્થ છે અને આઇસક્રીમ અને બરફની ટ્રકોનો ઉપયોગ કામચલાઉ રીતે શબ સાચવવા કરાય છે.’’
ડંડીની કાઉન્સિલર અલ-નકલાએ હમાસના હુમલા બાદ દુઃખી ઇઝરાયેલી પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘’શા માટે યુકે સરકાર ગાઝા પર ઇઝરાયેલની લશ્કરી કાર્યવાહીને “માન્ય” કરી રહી છે. ઇઝરાયેલ પાસે વિશ્વની સૌથી મજબૂત અને સૌથી અદ્યતન સેના છે તો શા માટે તેમને વધુ સમર્થનની જરૂર છે. હું ગાઝામાં મોટી થઇ તે દરમિયાન ઘણા યુદ્ધો જોયા છે, પરંતુ આવું કંઈ જોયું નથી.”
તા. 13ના રોજ યુસુફ હમઝાએ સાસુ એલિઝાબેથનો એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમણે નોર્થ ગાઝામાંથી 10 લાખથી વધુ લોકોને બહાર કાઢવાના ઇઝરાયેલના આદેશની નિંદા કરી હતી અને કહ્યું હતું કે “આ મારો છેલ્લો વીડિયો હશે.”