અક્ષયકુમારે 1990 પછી કેનેડાની નાગરિકતા મેળવી હતી. પછી તેણે તે નાગરિકતા છોડી દીધી હતી અને તાજેતરમાં તે ભારતનો નાગરિક બની ગયો હતો. જોકે, કેનેડાની નાગરિકતાને કારણે સોશિયલ મીડિયા પર તેની ટીકા થઇ હતી.
થોડા દિવસ અગાઉ એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષયકુમારે કેનેડાની નાગરિકતાના મુદ્દે સ્પષ્ટતા કરી હતી. અક્ષયકુમારે કહ્યું કે, ફિલ્મો નહોતી ચાલતી એટલે હું કેનેડિયન બન્યો, ત્યાં ધંધો હતો. દેશમાં ઘણા લોકો આવું કરે છે. હું કાર્ગોનો ધંધો કરતો હતો. પછી છેલ્લી બે-ત્રણ ફિલ્મો ચાલી અને ત્યાં સુધીમાં પાસપોર્ટ આવી ગયો હતો. હવે હું પાછો આવી ગયો છું અને ફિલ્મો રિલીઝ થઇ અને તે સફળ થઇ રહી હતી પછી મારા મગજમાંથી પાસપોર્ટનો મુદ્દો નીકળી ગયો હતો.
પોતાની નાગરિકતા કેમ છોડી દીધી? આ પ્રશ્નના ઉત્તરમાં અક્ષયકુમારે કહ્યું હતું કે, જ્યારે ભારતમાં ફિલ્મો હિટ થઇ રહી હતી ત્યારે તે પાસપોર્ટ વિશે ભૂલી ગયો હતો. જ્યારે લોકોએ મને ટ્રોલ કર્યો ત્યારે મને લાગ્યું કે જો એક પેપરથી આટલો ફરક પડે છે તો તેને બદલવું જોઈએ. હું અહીં મારો ટેક્સ ભરું છું. હું ભારતીય ભોજન પસંદ કરું છું, હું ભારતીય છું, હું હિન્દુ છું, આ બધું જ મગજમાં ચાલતું હતું.
શું તમે ફરીથી કેનેડાની નાગરિકતા સ્વીકારશો? તેના ઉત્તરમાં આ ખિલાડીકુમારે કહ્યું કે, નેગેટિવ વિચારવું ના જોઈએ. તે સમયે મારી પાસે આવક નહોતી. બચત પણ નહોતી તેથી કોઈ જ વિકલ્પ ન હતો. હવે ભગવાન ના કરે કે એવું કંઇ થાય.