વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીની જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્તિ કરાઈ છે. બાગચીએ ક્રોએશિયામાં રાજદૂત અને શ્રીલંકામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે સેવા આપી હતી.
1995-બેચના ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી બાગચીએ માર્ચ 2020માં વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો તથા પૂર્વીય લદ્દાખ સરહદ વિવાદ, ભારતના કોવિડ સહિત અનેક જટિલ મુદ્દાઓનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે.
જીનીવામાં બાગચી ઈન્દ્ર મણિ પાંડેનું સ્થાન લેશે જેઓ નવી દિલ્હી પરત ફરવાના છે. વિદેશ મંત્રાલયે એક ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કાર્યરત બાગચીને જિનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ટૂંકસમયમાં કાર્યભાર સંભાળશે. એવું જાણવા મળ્યું છે કે સંયુક્ત સચિવ (G20) નાગરાજ નાયડુ કાકનુર અને મોરેશિયસના હાઈ કમિશનર કે નંદિની સિંગલા સહિત લગભગ ચાર વરિષ્ઠ રાજદ્વારીઓની વિદેશ મંત્રાલયના પ્રવક્તા પદ માટે વિચારણા કરવામાં આવી રહી છે.