અમેરિકાના લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટના સમાવેશને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સની કારોબારીની બેઠકમાં સોમવારે બહાલી અપાઈ હતી. મુંબઈમાં યોજાયેલી બેઠકમાં ક્રિકેટ સહિત પાંચ રમતોના સમાવેશને મંજુરીની મહોર લાગી હતી.
ક્રિકેટ ઉપરાંત બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ (નોન કોન્ટેક્ટ અમેરિકન ફૂટબોલ, લેક્રોસ (સિક્સીસ) અને સ્ક્વોશનો સમાવેશ કરાયાની જાહેરાત ઈન્ટરનેશનલ ઓલિમ્પિરક કમિટીના પ્રેસિડેન્ટ પ્રમુખ થોમસ બેચે કરી હતી. લોસ એન્જલસ ગેમ્સની આયોજન સમિતિની દરખાસ્ત મુજબ ટી-20 ફોર્મેટમાં મહિલા અને પુરૂષોની દરેકની છ ટીમોનો સ્પર્ધામાં સમાવેશ કરવાની ભલામણ છે. જો કે, આ વિષયે આખરી નિર્ણય હજી લેવાયો નથી.
આ અગાઉ, એક સદી કરતાં પણ પહેલા, 1900ની પેરિસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ થયો હતો, ત્યારે બ્રિટનની ટીમ વિજેતા રહી હતી.