(ANI Photo)

ગુજરાતમાં રવિવાર, 15 ઓક્ટોબરનો મા જગદંબાની ઉપાસનાના મહાપર્વ નવરાત્રિનો મંગલમય પ્રારંભ થયો છે. નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યાં હતાં. અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પણ ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારથી માતાજીના મંદિરમાં લોકો ઊમટી પડ્યા હતા. પાવાગઢ, બહુચરાજી, અંબાજીમાં ભક્તોની ભીડ જોવા મળી હતા. ચોટીલા અને માતાના મઢે ભક્તો ઉમટ્યા હતાં.

15 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી નવરાત્રિના પર્વની ઉજવણી કરાશે. 24 ઓક્ટોબરે દશેરા મહોત્સવ યોજાશે. આસો નવરાત્રિના પ્રારંભ સાથે અમદાવાદનું ફૂલ બજાર ધમધમ્યુ હતું. અહીં જુદીજુદી જાતના ફૂલોની માંગમાં જબરદસ્ત વધારો થયો હતો.

વડાપ્રધાન મોદીએ નવરાત્રિના શુભપર્વ પર લોકોને સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી અને તેમના દ્વારા લખવામાં આવેલો એક ગરબોનો વીડિયો શેર કર્યા હતો. વીડિયોની યુટ્યુબ લિન્ક એક્સ પર શેર કરીને મોદીએ જણાવ્યું હતું કે શુભ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મને છેલ્લા અઠવાડિયા દરમિયાન મારા દ્વારા લખવામાં આવેલ ગરબો શેર કરતાં આનંદ થાય છે. ગરબાને સ્વર અને સંગીત આપવા બદલ હું દિવ્યા કુમારનો આભાર માનું છું. લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું કે શક્તિ આપનારી માતા દુર્ગા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સારા નસીબ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી શુભકામના.

ગુજરાતના તમામ મંદિરોમાં સવારે ઘટ સ્થાપના કરવામાં આવ્યું હતું. અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં સવારે 7:30 કલાકે ઘટ સ્થાપન કરાયું હતું, ભદ્રકાળી મંદિરમાં આઠમની રાત્રે હવન, માતાજીનો વિશેષ શણગાર કરાશે. પહેલાં નોરતે મા શૈલપુત્રની પૂજા થશે.

માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે…ના ગરબા સાથે મા જગદંબાની ઉપાસનાના પાવનકારી નવલા નવરાત્રિ મહોત્સવની નવ દિવસ સુધી હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. માતાજીના ગરબાના વિધિવત સ્થાપન સાથે રવિવારથી નવ દિવસ સુધી માઈભકતો પૂજા, અર્ચન કરી, માતાજીને અવનવા શણગાર રજુ કરીને કર્ણપ્રિય ગરબા ગાશે. આ સાથે તમામ શેરીઓ, મહોલ્લાઓમાં નવરાત્રિ મહોત્સવને રંગેચંગે ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ગરબાના ખૈલેયાઓ આદ્યશકિતની આરાધનામાં મગ્ન બની જશે. શકિતની ભકિતના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલા નવરાત્રિ મહોત્સવ ચોતરફ ભાવ અને ભકિતમય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવાશે.

LEAVE A REPLY