ઓલિમ્પિક્સમાં આશરે 12 વર્ષ પછી ક્રિકેટનું પુનરાગમન થવાનો માર્ગ મોકળો થયો છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એક્ઝિક્યુટિવ બોર્ડે 2028 લોસ એન્જલસ ગેમ્સ માટે તેના સમાવેશને મંજૂરી આપી હતી.
લોસ એન્જલસની આયોજક સમિતિએ ક્રિકેટ ઉપરાંત બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ (નોન કોન્ટેક્ટ અમેરિકન ફૂટબોલ , લેક્રોસ (સિક્સીસ) અને સ્ક્વોશનો સમાવેશ કરવાની દરખાસ્ત કરી હતી. મુંબઈમાં એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના બીજા દિવસના અંતે મીડિયાને સંબોધતા, IOC પ્રમુખ થોમસ બેચે જણાવ્યું હતું કે આયોજકોની દરખાસ્તને બોર્ડે સ્વીકારી છે, તેનાથી પાંચ રમતોને ઔપચારિક રીતે ઉમેરવામાં આવે તે પહેલાં એક છેલ્લી અડચણ દૂર કરવામાં આવી છે.
આઈઓસીના પ્રેસિડેન્ટ થોમસ બેચની અધ્યક્ષતા હેઠળ બે દિવસીય બોર્ડ બેઠક યોજાઈ હતી. આઈઓસીના રવિવારે યોજાનારા સત્રમાં દરખાસ્ત પર વોટિંગ હાથ ધરાશે. આ સત્રમાં ક્રિકેટની રમતને ઓલિમ્પિકમાં સમાવવા અંતિમ મંજૂરી મળશે.
ક્રિકેટની રમત ખાસ કરીને ટી20 ફોરમેટની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. વન-ડે વર્લ્ડ કપ પણ મોટી સફળતા છે. લોસ એન્જલસ ગેમ્સ આયોજક કમિટીએ પુરૂષ અને મહિલા ટી20 ક્રિકેટમાં છ ટીમોની સ્પર્ધાની ભલામણ કરી છે, જેમાં યજમાન દેશ અમેરિકા તેની ટીમ પણ ઉતારી શકે છે. ટીમની સંખ્યા અને ક્વોલિફિકેશન ધોરણો અંગે અંતિમ નિર્ણય બાદમાં લેવાશે.