કેલિફોર્નિયાના બેકર્સફિલ્ડના 50 વર્ષીય ઇન્ડિયન-અમેરિકન વ્યક્તિએ કોવિડ-19 રાહત ફંડના નામે $163,750ની છેપરપિંડીનો ગુનો કબુલ્યો હતો. હવે 20 ફેબ્રુઆરી, 2024એ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ અના ડી આલ્બા સજા સંભાળવશે. આરોપીને મહત્તમ 10 વર્ષની જેલ અને $250,000ના દંડ થઈ શકે છે. જોકે વાસ્તવિક સજા કોઈપણ લાગુ પડતા વૈધાનિક પરિબળો અને ફેડરલ સજાની માર્ગદર્શિકાને ધ્યાનમાં લીધા પછી કોર્ટની વિવેકબુદ્ધિને આધારે નક્કી કરાશે.
કોર્ટના દસ્તાવેજો અનુસાર જસવિન્દર ભાંગૂએ મે 2020 અને નવેમ્બર 2021 વચ્ચે યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પાસેથી $250,000ની કોવિડ-19 રાહત લોન માટે અરજી કરી હતી. અરજીમાં, તેને ખોટી રીતે રજૂઆત કરી હતી કે તેની પાસે ઘણા કર્મચારીઓ અને નોંધપાત્ર આવક સાથે બહુવિધ બિઝનેસ છે. આરોપીએ એવી પણ રજૂઆત કરી હતી કે તેને પાછલા પાંચ વર્ષમાં કોઈ અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો, હકીકતમાં તેને વીમા છેતરપિંડી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
ભાંગુની આવી રજૂઆતોના આધારે, તેની કેટલીક લોન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને તેને ફેડરલ ફંડમાંથી આશરે $163,750 મળ્યાં હતાં જેના માટે તે હકદાર ન હતાં.