વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત નવી દિલ્હી ખાતે કર્ટેન રેઈઝર અને મુંબઈ ખાતે યોજાયેલા રોડ શોની ભવ્ય સફળતા પછી, પાણી પુરવઠા અને જળ સંપત્તિ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ હેઠળ ગત સપ્તાહે ચંદીગઢ ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના (GMDC) મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ સેન્ટર ઓફ ઈકોનોમિક પોલીસી રીસર્ચના ચેરમેન અશ્વિની જોહર, ભારતીય પોલિમર ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર અમરબીર સિંઘ, સી.આઈ.આઈ. ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પૂર્વ અધ્યક્ષ વિનોદ અગ્રવાલ તેમજ કમલેશ રાબડિયા સહિત ઉદ્યોગ અને વેપાર જગતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચંદીગઢના ભવ્ય રોડ-શો બાદ કુંવરજીભાઈ બાવળિયાએ સ્થાનિક ઉદ્યોગ જગતના મહાનુભાવો સાથે વન ટુ વન બેઠક કરી હતી.
આ બેઠકો દરમિયાન ગુજરાત દેશના વિકાસના રોલ મોડલ તરીકે કેવી રીતે ઉભરી આવ્યું તેની વિગતવાર વાત કરતા તેમણે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની છેલ્લા બે દાયકાની ભવ્ય સફળતા પણ વર્ણવી હતી. આ સાથે જ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે ગુજરાતને રોકાણ માટે સૌથી પહેલી પસંદગીનું સ્થળ બનાવ્યું છે અને સાથે જ સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર પણ બનાવ્યું છે.
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની થીમ “ગેટ વે ટુ ધ ફ્યુચર” રાખવામાં આવી છે, જે વડાપ્રધાનના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને સાકાર કરે છે. તેમણે કહ્યું કે, ગુજરાત રાજ્ય રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે પણ અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે અને ગુજરાતની રીન્યુએબલ એનર્જી કેપેસીટી 22GW સુધી પહોંચી ગઈ છે. ભારતના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક પણ ગુજરાતમાં વિકસાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ગુજરાતે 100 GW જેટલી રિન્યુએબલ એનર્જી જનરેટ કરવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ ઉપરાંત, પવન, સોલાર અને હાઇડ્રોજન ટેક્નોલોજી આધારિત રિન્યુએબલ જનરેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં જ “ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી” પણ લોન્ચ કરવામાં આવી છે.