Sunak launched a crackdown on anti-social behaviour
(Photo by Dan Kitwood/Getty Images)
વડા પ્રધાન ઋષિ સુનકે માચેંસ્ટરમાં તા. 4ના રોજ યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટી કોન્ફરન્સના ભાષણ દરમિયાન વેસ્ટ મિડલેન્ડ્સથી માન્ચેસ્ટર સુધીની HS2 હાઇ-સ્પીડ રેલ લાઇનને રદ કરી £36 બિલિયનની થનારી બચતને નોર્થ ઇંગ્લેન્ડ, મિડલેન્ડ્સ અને દેશભરમાં પરિવહન ક્ષેત્રમાં પુનઃરોકાણ કરવાની જાહેરાત કરી હતી. સુનકે પુષ્ટિ કરી હતી કે HS2 નવી મેનેજમેન્ટ ટીમની દેખરેખ હેઠળ યોજના મુજબ લંડનના હ્યુસ્ટન સ્ટેશન તરફ આગળ વધશે.
સુનકે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે લંડનથી બર્મિંગહામ આવનારી HS2 ટ્રેનો હાલના ટ્રેકનો ઉપયોગ કરી માન્ચેસ્ટર અને લીડ્ઝ સુધી દોડશે. સરકારે સંકેત આપ્યો છે કે કોવિડ રોગચાળાને પગલે મુસાફરીની પેટર્નમાં આવેલા ફેરફારોને કારણે સરકારે HS2 માટે “અબજો પાઉન્ડ્સ”ની ફાળવણીનું પુનઃમૂલ્યાંકન કરવું પડ્યું છે. જેને કારણે સરકારને વૈકલ્પિક પ્રોજેક્ટ્સની શોધ કરવી પડી હતી.
સરકારના આ નિર્ણયને પગલે સ્થાનિક નેતાઓ અને બિઝનેસીસે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગ્રેટર માન્ચેસ્ટરના લેબર મેયર એન્ડી બર્નહામે સરકારની ટીકા કરી તેમના પર નોર્થ ઈંગ્લેન્ડના લોકોનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો છે. તો વેસ્ટ મિડલેન્ડ્સના કન્ઝર્વેટિવ મેયર એન્ડી સ્ટ્રીટે HS2ને રદ કરવા સામે ચેતવણી આપી વડા પ્રધાનના નિર્ણય વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાનો જૉન્સન, થેરેસા મે અને ડેવિડ કેમરને પણ હાઇ-સ્પીડ લાઇનના વિસ્તરણને રોકવા સામે ચેતવણી આપી હતી.
માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલ ક્લબ સહિત 30 બિઝનેસ જૂથોએ વડા પ્રધાનને પત્ર લખીને આર્થિક નુકસાન અટકાવવા માટે HS2 હાઈ-સ્પીડ રેલ લાઇનને ટેકો આપવા વિનંતી કરી હતી.
2012માં મંજૂરી મેળવનાર HS2 મુસાફરીના સમયમાં ઘટાડો કરવા સાથે રેલ નેટવર્ક પર ભીડને દૂર કરશે અને લંડનની બહાર નોકરીની વૃદ્ધિને ઉત્તેજન આપશે તેવી અપેક્ષા હતી. જો કે, 2019માં આશરે £71 બિલીયનનો અંદાજિત પ્રોજેક્ટ હવે વધતા જતા ખર્ચના કારણે વિવાદમાં આવ્યો હતો. હાલમાં HS2ના લંડન-બર્મિંગહામ વિભાગના નિર્માણમાં £22.5 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે, જેમાં જમીન અને મિલકત સંપાદન જેવા ખર્ચને
આવરી લેતા બીજા તબક્કા માટે વધારાના £2.3 બિલિયનની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ત્રીસ હજાર વ્યક્તિઓ સંકળાયેલી છે.
સુનકે કુટુંબોનું રક્ષણ કરવા, ગુનાઓ સામે કડક બનવા અને બેનીફટ્સમાં ઘટાડો કરી તેના પર નિયંત્રણ લાવવાનું વચન આપ્યું હતું. તો તેઓ નેટ ઝીરો અને ક્લાઈમેટ ચેન્જ, ઇમીગ્રેશન અને ગેરકાયદેસર સ્થળાંતરને રોકવા માટે જરૂરી પગલા લેવા બાબતે બોલ્ડ નિર્ણયો લઇ રહ્યા છે તેવી જાહેરાત કરી હતી. તેમણે 16 થી 19 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટેની તકો વધારવા નવી એડવાન્સ્ડ બ્રિટિશ સ્ટાન્ડર્ડ ક્વોલિફીકેશનમાં ટી લેવલ્સ અને એ લેવલ્સના જોડાણની જાહેરાત કરી અગત્યના વિષયો ભણાવનાર શિક્ષકોને £30,000ના રોકડ બોનસનું વચન આપ્યું હતું.
સુનકે દર વર્ષે સિગારેટ ખરીદવાની ઉંમર વધારી આગામી પેઢી માટે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની યોજના જાહેર કરી હતી. તો દરેક ગુનાની તપાસ થવી જોઈએ એમ જણાવી નાગરીકોને સુરક્ષા આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
સુનકે ફુગાવાને અડધો કરવા અને જીવન ખર્ચને સરળ બનાવવાના ગોલને સિધ્ધ કરવા સાથે અર્થવ્યવસ્થાનો ઝડપી
વિકાસ કરવાની જરૂર પર ભાર મૂકી સ્થિતી સારી થયા બાદ ટેક્સમાં કપાત કરીશું તેમ કહ્યું હતું.

સુનકે કહ્યું હતું કે ‘’છેલ્લા 30 વર્ષથી, રાજકારણ નિષ્ફળ ગયું છે અને નેતાઓએ યોગ્ય નહીં પણ માત્ર સરળ નિર્ણયોને પ્રોત્સાહન આપ્યું હતું. અમારું ધ્યેય દેશને મૂળભૂત રીતે બદલાને લોકોને સાથે લાવીને પરિવર્તન કરવાનું છે.”

LEAVE A REPLY