હમાસના આતંકવાદી હુમલાનો સામનો કરવા બાબતે ઇઝરાયલને યુકેનું અડગ સમર્થન આપતાં વડા પ્રધાન ઋષિ સુનકે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને રવિવારે કરેલા ફોન કોલમાં જણાવ્યું હતું કે ‘’યુકે આતંકના ઘાતક કૃત્યો સામે નિશ્ચિતપણે ઇઝરાયેલ સાથે ઊભું છે અને યુકેમાં વસતા યહૂદી સમુદાયની સલામતી અંગે ખાતરી આપું છું.’’
મીડલ ઇસ્ટમાં થયેલા સંઘર્ષના પરિણામે લંડનમાં બનેલા કેટલાક ગુનાઓ સંદર્ભે બેન્જામિન નેતન્યાહુ સાથેના કોલ બાદ સુનાકે ટ્વીટ કરીને જાહેર કર્યું કે “આતંકવાદ જીતશે નહીં. છેલ્લા 36 કલાકમાં અમે ઇઝરાયેલમાં જે દ્રશ્યો જોયા છે તે ખરેખર ભયાનક છે. ઇઝરાયેલ આ હુમલાઓ સામે પોતાનો બચાવ કરે છે તે રીતે યુકેના અડગ સમર્થનની ખાતરી આપવા માટે મેં આજે વડા પ્રધાન નેતન્યાહુ સાથે વાત કરી હતી.”
ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે “વડાપ્રધાને આ ભયાનક હુમલાઓના વિરોધમાં વિશ્વ એક અવાજે બોલે તેની ખાતરી કરવા માટે યુકે જે રાજદ્વારી કાર્ય કરી રહ્યું છે તેની રૂપરેખા આપી હતી. વડાપ્રધાને યુકેમાં યહૂદી સમુદાય સુરક્ષિત અનુભવે તે સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. બન્ને નેતાઓ નજીકના સંપર્કમાં રહેવા માટે સંમત થયા હતા.”
વિપક્ષી લેબર પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ લિવરપૂલમાં ચાલી રહેલી પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સ માટેની એક ફ્રિન્જ ઇવેન્ટમાં આતંકવાદી હુમલાની નિંદાનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું હતું કે ‘’પાર્ટી ઇઝરાયેલના લોકો સાથે ઉભી છે. ઇઝરાયેલને આતંકવાદ સામે સ્વ-બચાવનો અધિકાર છે.” જેઓ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ સેવા આપતા ઇઝરાયેલમાં સંઘર્ષમાં માર્યા ગયેલા બ્રિટીશ યુવાન નેથેનેલ યંગના પરિવાર અને ભયંકર હિંસાથી પ્રભાવિત થયેલા બધા લોકો, પરિવારો અને સમુદાયો પ્રત્યે દિલસોજી પાઠવી હતી.’’
યુકેમાં આતંકવાદી સંગઠન હમાસ પ્રતિબંધિત છે અને યુકે સરકાર માને છે કે લગભગ 50-60 હજાર બ્રિટિશ નાગરિકો ઇઝરાયેલ અથવા ગાઝામાં વસે છે.