યુકેમાં ઇઝરાયલ સંઘર્ષ અંગે સોસ્યલ મિડીયામાં શેર કરેલા સંદેશાઓ અને ફોટો વિડીયો ફેલાવાની સંખ્યાબંધ ઘટનાઓ બાદ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુકે પોલીસે અને ખાસ કરીને લંડનમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
હોમ ઓફિસ મિનિસ્ટર રોબર્ટ જેનરિકે ટ્વીટ કરી કહ્યું હતું કે “આ ઘૃણાસ્પદ લોકો પ્રતિબંધિત સંગઠન હમાસની આતંકવાદી પ્રવૃતિઓને વખાણી રહ્યા છે. યુકેમાં તેના માટે કોઈ સ્થાન નથી. મને વિશ્વાસ છે કે મેટ પોલીસ તેને ગંભીરતાથી લેશે.’’
લંડનના મેયર સાદિક ખાને પાછળથી ટ્વીટ કરી જણાવ્યું હતું કે “દુ:ખદ રીતે, અમે જાણીએ છીએ કે મીડલ ઇસ્ટની હિંસા લંડનમાં નફરતના અપરાધમાં વધારો કરી શકે છે. હું મેટના વરિષ્ઠ નેતૃત્વ અને અમારા શહેરભરના સમુદાયો સાથે ગાઢ સંપર્કમાં છું. લંડનવાસીઓ આ દરમિયાન વધારાની પોલીસ હાજરી જોશે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે લંડનમાં દ્વેષપૂર્ણ અપરાધ સહન કરવામાં આવશે નહીં.”
ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર એન્ડી વેલેન્ટાઈને જણાવ્યું હતું કે: “અમે જાણીએ છીએ કે આ સંઘર્ષ વિશ્વભરના સમુદાયો પર દૂરગામી અસર કરે છે, અને અમે લંડનમાં અસરગ્રસ્તોને અમારૂ સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમે લોકોને ધમકીભર્યા વર્તન જેવી કોઈપણ બાબતની જાણ કરવા કહીએ છીએ. અમે જાણીએ છીએ કે સંખ્યાબંધ પ્રદર્શનો અને વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આયોજકો સાથે વાત કરી છે અને અમને આશા છે કે તે શાંતિપૂર્ણ રીતે પાર પડશે. જો કે, ગુનાખોરીની મર્યાદા ઓળંગતી કોઈપણ પ્રવૃત્તિ પ્રત્યે અમે શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ અપનાવીશું.”
‘’છેલ્લા 24 કલાકમાં, લંડનના જુદા જુદા ભાગોમાં ઓછી સંખ્યામાં નીચા સ્તરની જાહેર અવ્યવસ્થાની ઘટનાઓ નોંધવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર તેને પ્રસિધ્ધ કરવામાં આવી છે. પોલીસે તમામ બનાવોમાં હાજરી આપી હતી અને ધરપકડ કર્યા વિના તેને ઉકેલ લાવવામાં આવ્યો હતો.’’
‘’સેન્ટ્રલ લંડનમાં સોમવાર, 9 ઑક્ટોબરના રોજ યોજાનાર ‘સ્ટોપ ધ વોર’ વિરોધ પ્રદર્શન સહિત સંખ્યાબંધ વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આ વિરોધ પ્રદર્શનના આયોજકો સાથે સંપર્કમાં છીએ અને એક યોગ્ય પોલીસિંગ યોજના અમલમાં મૂકી લંડનવાસીઓને કોઈપણ વિક્ષેપ સામે કાયદેસર વિરોધના અધિકારને સંતુલિત કરવા પ્રયાસ કરીશું અને જો ફોજદારી ગુનો આચરવામાં આવ્યો હોવાની શંકા હશે તો અમે ધરપકડ કરીશું. અમે સિનેગોગ, મસ્જિદો અને બિઝનેસીસને તેમની ચિંતાઓ અને સલામતી સલાહ આપવા માટે સંપર્કમાં છીએ.’’
મેટ્રોપોલિટન પોલીસે શનિવારે રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે ઇઝરાયેલમાં ચાલી રહેલા સંઘર્ષ અને ગાઝાની સરહદ પરની હિંસા બાદ ‘’આપણા સમુદાયોને પોતાની સુરક્ષાની ખાતરી થાય તે માટે સમગ્ર લંડનના વિવિધ ભાગોમાં પોલીસિંગ પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. અમે કોઈપણ ચિંતાઓને સાંભળવા માટે ભાગીદારો અને સમુદાયના નેતાઓ સાથે સંપર્કમાં છીએ. ધમકીભર્યા વર્તનનો અનુભવ કરતા અને પોતાની સલામતી વિશે ચિંતિત હોય તેવા તમામને પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.’’
પોલીસે જણાવ્યું હતું કે “અમે જાણીએ છીએ કે ચાલુ સંઘર્ષ આગામી દિવસોમાં વિરોધ તરફ દોરાઇ શકે છે. અમે ખાતરી કરીશું કે લંડનવાસીઓને પડનારા કોઈપણ વિક્ષેપ સામે વિરોધ કરવાના અધિકારને સંતુલિત કરવા માટે એક યોગ્ય પોલીસિંગ યોજના અમલમાં હોય.” નિવેદનમાં ઉમેર્યું.