(Photo by Mario Tama/Getty Images)

કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે પોતાની સત્તાનો ઉપયોગ કરીને રાજ્ય વિધાનસભાએ પસાર કરેલો જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધનો કાયદો વીટોથી ફગાવી દીધો હતો અને તેને બિનજરૂરી ગણાવ્યો હતો. ન્યૂસોમે દલીલ કરી હતી કે, કેલિફોર્નિયામાં જ્ઞાતિગત ભેદભાવ ઉપર પ્રતિબંધના કાયદા હાલમાં પણ અમલમાં છે જ.

ઇન્ડિયન અમેરિકન સમુદાયના એક મોટા જૂથે ન્યૂસોમના નિર્ણયને આવકાર્યો છે. તેઓ આ જ મુદ્દે તે બિલનો વિરોધ કરી રહ્યા હતા.

ન્યૂસોમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે, કેલિફોર્નિયામાં દરેક વ્યક્તિ સાથે ગરિમાપૂર્ણ અને સન્માનિત વ્યવહાર થવો જોઈએ, પછી ભલે તે કોઇ પણ વ્યક્તિ હોય અથવા તો તેઓ ક્યાંથી આવે છે, તેઓ કોને પસંદ કરે છે અથવા તેઓ ક્યાં રહે છે, તે મહત્ત્વનું નથી. આથી જ કેલિફોર્નિયામાં લૈગિંક, રંગ, ધર્મ, વંશ, રાષ્ટ્રીયતા, વિકલાંગતા, જાતીય અભિગમ તથા અન્ય લાક્ષણિકતાઓના આધારે ભેદભાવ હાલમાં પ્રતિબંધિત છે જ.”

તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્યના કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે, આ નાગરિક અધિકારો સુરક્ષિત રહેશે. આ સંજોગોમાં આ બિલ બિનજરૂરી છે. ન્યૂસોમે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ કારણોસર તેઓ SB403 તરીકે ઓળખાતા બિલને “મંજૂરીની મહોર મારી શકતા નથી”.

LEAVE A REPLY