અત્યારે આધુનિક ટેકનોલોજીના જમાનામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની વધી રહેલી અસરથી સામાન્ય નાગરિકો પણ બાકાત રહી શક્યા નથી. આવી ટેકનોલોજીનો ઉપયોગના કારણે સેલિબ્રિટીઝ માટે ઘણીવાર અનેક સમસ્યાઓ પણ સર્જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી મોટી હસ્તીઓના અવાજ અને ફોટોગ્રાફને મોર્ફ કરવાની પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે જોવા મળે છે.
કેટલાક લોકો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ એટલી ચાલાકીથી કરે છે કે, ઓરિજિનલ અને ફેઇક વચ્ચેનો તફાવત ઓળખવો મુશ્કેલ બની જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિથી પોતાના વ્યક્તિત્વને નુકસાન થતું હોવાના દાવા સાથે અનિલ કપૂરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં કોર્ટે અનિલ કપૂરની મંજૂરી વગર મજનૂભાઈ અને ઝક્કાસ જેવા શબ્દોના ઉપયોગ સામે મનાઈ ફરમાવી છે.
અનિલ કપૂરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં પોતાના નામ, ઈમેજ, નિક નેમ અને અવાજની સલામતી માટે માગણી કરી હતી. કોર્ટે બુધવારે આ કેસમાં અનિલ કપૂરની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અનિલ કપૂરની મંજૂરી વગર તેના વ્યક્તિત્વ સાથે જોડાયેલી વસ્તુ, ફોટો, અવાજ નામ વગેરેનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે. કોઈપણ સેલિબ્રિટીની પર્સનાલિટી સાથે જોડાયેલી વસ્તુના ઉપયોગને હાઈકોર્ટે અયોગ્ય ઠરાવ્યો હતો.
સેલિબ્રિટીઝની મંજૂરી વગર તેમના નામનો ઉપયોગ કમર્શિયલ માટે કરવાની પ્રવૃત્તિ અટકાવવા ભારત સરકારને આદેશ આપ્યો હતો. અનિલ કપૂરે વેલકમ ફિલ્મમાં મજનૂ ભાઈનો રોલ કર્યો હતો અને તેમના ડાયલોગમાં ઝક્કાસ શબ્દ લોકજીભે ચડી ગયો હતો. આ શબ્દો તથા અનિલ કપૂરની પર્સનાલિટી સાથે સંકળાયેલી અન્ય વસ્તુનો દુરુપયોગ થતો હોવાના મામલે હાઈકોર્ટ સમક્ષ સુનાવણી થઈ હતી.
અનિલ કપૂર પહેલા બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનની પર્સનાલિટી રાઈટ્સ અંગે પણ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. બચ્ચને પોતાની મંજૂરી વગર નામ, ફોટોગ્રાફ અને પર્સનાલિટી સાથે જોડાયેલી કોઈપણ વસ્તુનો ઉપયોગ રોકવા અરજી કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે સેલિબ્રિટીઝ દ્વારા બોલાયા ન હોય તેવા શબ્દો કે હરકતો સાથે તેમનું નામ જોડાઈ જાય છે. જેના કારણે તેઓ ટ્રોલર્સનો ભોગ બને છે. આવી પરિસ્થિતિને નિવારવા અને વ્યાપક ગેરસમજ ટાળવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગ પર અંકુશ મૂકવો જરૂરી બન્યો છે.