ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીનું 2018માં અકાળે અવસાન થયું હતું. શ્રીદેવીના મોત પછી તેમના પતિ અને ફિલ્મમેકર બોની કપૂરે આ મુદ્દે મૌન રહ્યા હતા. જોકે, શ્રીદેવીના મૃત્યુના પાંચ વર્ષ પછી બોની કપૂરે આ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, શ્રીદેવી ખૂબ જ સ્ટ્રિક્ટ ડાયટ લેતા હતા.
તેઓ મીઠા (નમક) વગરનું ભોજન કરતા હતા. ક્રેશ ડાયટિંગના લીધે શ્રીદેવીને બ્લેકઆઉટ્સ થતાં હતા એટલે કે તેઓ થોડા વખત માટે બેભાન થઈ જતાં હતા. બોની કપૂરે નાગાર્જુન સાથેની ફિલ્મની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. નાગાર્જુન સાથે ફિલ્મ કરી રહેલા શ્રીદેવી બેભાન થઈ ગયા હતા અને તેના કારણે તેમનો દાંત પણ તૂટી ગયો હતો.
એક ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે પત્ની શ્રીદેવીના મોત વિશે વાત કરતાં કહ્યું કે, તેમનું મૃત્યુ કુદરતી કારણોસર નહોતું થયું. બોની કપૂરે ખુલાસો કર્યો કે, શ્રીદેવીના મોત પછી તેમને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવો પડ્યો હતો. મીડિયામાં શ્રીદેવીના મોતની ભારે ચર્ચા થઈ રહી હતી અને તર્ક-વિતર્ક લાગી રહ્યા હતા એટલે પોલીસે પણ બોની કપૂરની આકરી પૂછપરછ કરી હતી. બોની કપૂરનું કહેવું છે કે, પોલીસે તેમની 24થી 48 કલાક સુધી કડક પૂછપરછ કરી હતી અને એટલે જ તેમણે પછી તેના વિશે વાત કરવાનું ટાળ્યું હતું. બોની કપૂરે કહ્યું, “મેં પહેલા શ્રીદેવીના મૃત્યુ અંગે વાત ના કરવાનો નિર્ણય કર્યો હતો કારણકે પોલીસને મેં બધું જ જણાવ્યું હતું. તપાસ કરી રહેલા અધિકારીઓએ મને કહ્યું હતું કે, કડક પૂછપરછ કરવાનું કારણ ભારતીય મીડિયાનું દબાણ હતું. અંતે તમામ ટેસ્ટના રિપોર્ટ આવ્યા પછી નિશ્ચિત થયું કે, તે આકસ્મિક મોત હતું અને તેમાં કોઈ ગરબડ નહોતી કરવામાં આવી.”
બોની કપૂરે આગળ જણાવ્યું કે, શ્રીદેવીનું મોત થયું એ વખતે પણ તેઓ સ્ટ્રીક્ટ ડાયટ પર હતા. તેમણે કહ્યું, “શ્રીદેવી અવારનવાર ભૂખી રહેતી હતી. તે હંમેશા સુંદર દેખાવા ઇચ્છતી હતી. સ્ક્રીન પર કાયમ સુંદર દેખાય અને રોલમાં ફિટ બેસે તેવું તે ઈચ્છતી હતી. અમારા લગ્ન થયા ત્યારથી કેટલીયવાર તેને બ્લેકઆઉટ થયા હતા. ડોક્ટરે કહ્યું હતું કે, તેને લો બીપીની તકલીફ રહેતી હતી.”
બોની કપૂરે નાગાર્જુનને જણાવેલી એક ઘટનાનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, “નાગાર્જુને જણાવ્યું હતું કે, એક શૂટ દરમિયાન શ્રીદેવી બાથરૂમમાં બેભાન થઈ ગઈ હતી. શ્રીદેવીના મૃત્યુ પછી નાગાર્જુન અમારા ઘરે આવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, એક ફિલ્મના શૂટિંગ વખતે શ્રીદેવી ક્રેશ ડાયટિંગ પર હતી અને તે બાથરૂમમાં બેભાન થઈ ગઈ હતી. એ વખતે તેનો એક દાંત તૂટી ગયો હતો.”
બોની કપૂરે જણાવ્યું કે, શ્રીદેવીને પહેલાથી જ ખૂબ જ સ્ટ્રીક્ટ ડાયટ પર રહેવાની ટેવ હતી. શ્રીદેવી મીઠા વિનાનું ભોજન ખાતી હતી. એટલે જ હું ડૉક્ટરોને કહેતો હતો કે તેને ભોજનમાં થોડું મીઠુ સામેલ કરવાની સલાહ આપે. બોની કપૂરના કહેવા પ્રમાણે, ડિનર માટે બનેલા ભોજનમાં પણ મીઠુ ના હોય એ વાત પર શ્રીદેવી ભાર આપતા હતા. કદાચ આ જ બાબત તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈની એક હોટેલના બાથરૂમના બાથટબમાંથી શ્રીદેવીનો મૃતદેહ મળી આવ્યો હતો. એ વખતે ડૂબવાના લીધે તેમનું મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. શ્રીદેવી નણંદના દીકરા મોહિત મારવાહ અને અંતરા મોતીવાલાના લગ્નમાં હાજરી આપવા માટે દુબઈ ગયા હતા. આખો પરિવાર લગ્ન પતાવીને ભારત આવી ગયો હતો પરંતુ તેઓ થોડા દિવસ માટે ત્યાં એકલા રોકાયા હતા. એ જ દરમિયાન તેમનું મોત થયું હતું. શ્રીદેવી છેલ્લે ફિલ્મ ‘મોમ’માં જોવા મળ્યા હતા.