ઓરિજિનલ ઈક્વિપમેન્ટ ઉત્પાદકો, મૂળ ડિઝાઈન ઉત્પાદકો અને પાર્ટસ એન્ડ કમ્પોનન્ટ કંપનીઓના ભારે રોકાણને કારણે ભારત હવે મોબાઈલ ફોન માટે બીજા ક્રમનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે, એમ મંગળવારે એક અહેવાલમાં જણાવાયું હતું.
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના રીપોર્ટ અનુસાર, 2023માં ભારત તેના કુલ એસેમ્બલ મોબાઈલ ફોનના લગભગ 22 ટકા નિકાસ કરે તેવી અપેક્ષા છે. જોકે, ચીનની મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હજુ પણ લાંબા ગાળે તેની અગ્રણી ભૂમિકા જાળવી રાખશે,એમ વરિષ્ઠ સંશોધન વિશ્લેષક ઇવાન લેમે જણાવ્યું હતું.
‘મેક ઈન ઈન્ડિયા‘ પહેલને વેગ મળી રહ્યો છે. ભારતે ચાલુ નાણાકીય વર્ષ (FY24)માં એપ્રિલ-ઓગસ્ટના સમયગાળામાં $5.5 બિલિયન (રૂ.45,000 કરોડથી વધુ)ના મોબાઈલ ફોનની નિકાસ કરી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (આઈસીઈએ)ના અંદાજ મુજબ, એપ્રિલ-ઓગસ્ટના સમયગાળામાં 5.5 અબજ ડોલરની મોબાઈલ ફોનની નિકાસ થઈ હતી, જે નાણાકીય વર્ષ 22-23ના સમાન સમયગાળામાં $3 બિલિયન (આશરે રૂ. 25,000 કરોડ) હતી.
ભારત ચાલુ નાણાકીય વર્ષમાં રૂ.1,20,000 કરોડના મોબાઈલ ફોનની નિકાસમાં કરવા માટે સજ્જ છે, જેમાં એપલ નાણાકીય વર્ષ 2023-24માં 50 ટકાથી વધુ હિસ્સા સાથે બજારમાં અગ્રણી છે.
દરમિયાન, અહેવાલ મુજબ, આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ઓરિજનલ ડિઝાઇન મેન્યુફેક્ચર્સ (ODMs) અને સ્વતંત્ર ડિઝાઇન હાઉસિસ (ODMs/IDHs) તરફથી સ્માર્ટફોન શિપમેન્ટમાં છ ટકા (વર્ષ-દર-વર્ષે) ઘટાડો થયો છે. “ODM/IDH કંપનીઓના શિપમેન્ટમાં વાર્ષિક ધોરણે ઘટાડાનું મુખ્ય કારણ સેમસંગ, શાઓમી અને લેનોવો ગ્રૂપનું નબળું પ્રદર્શન છે. જો કે, વિવો, ઓનર જેવી કંપનીઓના વેચાણમાં વધારાને કારણે આ નુકસાન સરભર થયું હતું.