અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનું રવિવારે, આઠ ઓક્ટોબરે ભવ્ય ઉદઘાટન કરાયું હતું. આ સમારોહમાં ભારતથી 50થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ તથા પ્રતિનિધિઓ સહિત 100થી વધુ વિશેષ અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. અક્ષરધામ મંદિર 12,500થી વધુ સ્વયંસેવકોએ દ્વારા બનાવ્યું છે.
આ મંદિર પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથો અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં 10 હજાર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્યો અને નૃત્યકલાનું નકશીકામ આ મંદિરની પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇનમાં સામેલ છે. કમ્બોડિયાના અંગકોરવાટ પછીનું આ વિશ્વનું સૌથી મોટું મંદિર છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં રોબિન્સવિલે ખાતે અક્ષરધામ મંદિરના નવ દિવસના ઉદઘાટન સમારંભનો 30 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. આ મહત્વપૂર્ણ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી.
મૂર્તિ પ્રતિષ્ઠા પછી પ.પૂ. મહંત સ્વામીએ આર્શીવચન આપવાની સાથે જણાવ્યું હતું કે, સનાતન ધર્મના પવિત્ર સિદ્ધાંતો આ સ્થળેથી સમગ્ર વિશ્વના તમામ ધર્મો અને તમામ પ્રજાને વિશ્વ ઐક્ય, બંધુત્વ, શાંતિ અને સહિયારી ઉન્નતિનો પવિત્ર સંદેશો આપશે.
ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રેરક જીવન અને કર્મ આ સ્થળેથી સૌને સતત માર્ગ ચિંધતા રહેશે. તેમના પંથે પૂ. યોગીજી મહારાજ, પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને સૌ મહાન સંતો જીવનને જે રીતે સાર્થક કરી ગયા છે તથા અન્યોને જે રાહ બતાવ્યો છે તેની જ્યોત અહીં સતત પ્રજ્વલિત રહેશે.સમગ્ર કાર્યક્રમ અને સંકુલના વિચારથી અત્યાર સુધીની 12 વર્ષની આ કામગીરી વિશે પૂ. અક્ષરવત્સલ સ્વામી અને પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે,આ સમગ્ર સંકુલ કલા, સ્થાપત્ય અને ભારતીય આધ્યાત્મિકતાની સાથે આજના વિશ્વ માટે “વસુધૈવ કુટુંબકમ”ની ભાઈચારાની ભાવનાનું પ્રતીક છે.
પ્રાણપ્રતિષ્ઠા વખતે પ્રત્યક્ષ ઉપસ્થિત અને વર્ચ્યુઅલ લાભ લઈ રહેલાં લાખો હરિભક્તો-ભાવિકોએ દીપ પ્રાગટ્ય કરી મહાઆરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું હતું. BAPS સંસ્થાના આંતરાષ્ટ્રીય સંયોજક પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ સેવા-સહયોગ આપનાર સૌ કોઈનો BAPS સંસ્થા વતી આભાર માન્યો હતો. ‘અક્ષરધામ મહોત્સવની જય..’ ના બુલંદ જયઘોષથી સમારોહનું સમાપન થયું હતું.
વૈશ્વિક સ્તરે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ હિન્દુ કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિના સીમાચિહ્નો બન્યાં છે. તેઓ આધ્યાત્મિક અને સામુદાયિક કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિના લોકો માટે ખુલ્લા છે. ન્યૂ જર્સીમાં આવેલું અક્ષરધામ વૈશ્વિક સ્તરે આ પ્રકારનું ત્રીજું સાંસ્કૃતિક સંકુલ છે. સૌપ્રથમ અક્ષરધામ 1992માં ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં બનાવાયું હતું, ત્યારબાદ 2005માં નવી દિલ્હીમાં અક્ષરધામનું ભવ્ય નિર્માણ કરાયું હતું.
પાંચ ઓક્ટોબર 2023એ અમેરિકાના વિવિધ શહેરોના મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં સામુદાયિક એકતાના ઉત્સવની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રોબિન્સવિલે ટાઉનશીપના મેયર ડેવિડ ફ્રાઈડ અને મેયર જોન હિગડોને પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને “કી ટુ ધ સિટી”નું સન્માન અર્પણ કર્યું હતું. તેમણે અક્ષરધામને એક વૈશ્વિક અજાયબી ગણાવ્યું હતું.
અક્ષરધામમાં કુલ ત્રણ ચરણમાં યોજાયેલા મૂર્તિપ્રતિષ્ઠાવિધિના દ્વિતીય ચરણમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સનાતન ધર્મના પૂજનીય સ્વરૂપો – ભગવાન શ્રી રામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણ, ભગવાન શ્રી શિવ, પાર્વતીજી, ગણેશજી, કાર્તિકેય, ભગવાન શ્રીકૃષ્ણ, રાધાજી, ભગવાન શ્રી તિરૂપતિ બાલાજીની સાથે BAPSની આધ્યાત્મિક ગુરૂપરંપરાના ગુરુવર્યોની મૂર્તિઓનું પૂજન કરાયું હતું.
UN પ્રતિનિધિમંડળની મુલાકાત
રોબિન્સવિલેમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામનના 8 ઑક્ટોબર, 2023એ ભવ્ય ઉદઘાટન સમારંભ પહેલા સાત ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્રોના રાજદૂતો અને પ્રતિનિધિઓએ મુલાકાત લીધી હતી. ભારતના સંયુક્ત રાષ્ટ્રો ખાતેના રાજદૂત રુચિરા કંબોજે આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. સાત ઓક્ટોબરે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અસાધારણ જીવન અને મૂલ્યોને વધાવતો વિશિષ્ટ કાર્યક્રમ પણ યોજાયો હતો.
અક્ષરધામના ભવ્ય ઉદઘાટન પૂર્વે કંબોડિયા, એરીટ્રીઆ, ગ્રેનાડા, ગુયાના, કઝાકિસ્તાન, લાઇબેરિયા, માલાવી, મોરોક્કો, નેપાળ, શ્રીલંકા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, તિમોર લેસ્ટે, મંગોલિયા, દક્ષિણ આફ્રિકા, માલદીવ્સ, પોલેન્ડ, કોસ્ટા રિકા, બ્રાઝિલ, લેબેનોન, ભૂટાન, અને યુએન ઓફિસ ઓફ કાઉન્ટર ટેરરિઝમના પ્રતિનિધિઓએ અક્ષરધામની મુલાકાત લઈ શાંતિ, એકતા, સંવાદિતા અને સાંસ્કૃતિક મૂલ્યોના જતનની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
પોતપોતાના દેશો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોના પ્રતિનિધિઓ તરીકે આ સર્વે પ્રતિનિધિઓએ વૈશ્વિક સહકાર માટે આંતર-સાંસ્કૃતિક આદાનપ્રદાન અને આધ્યાત્મિક સંવાદિતાના મહત્વને આત્મસાત કર્યું હતું.
કંબોડિયાની સોફીઆ ઈટ, એરીટ્રિયાના સોફિયા ટેસ્ફામરિયમ, ગ્રેનાડાના ચે અજામુ ફિલિપ, ગુયાનાના કેરોલીન રોડ્રિગ્સ-બિર્કેટ, કઝાકિસ્તાનના અકાન રખ્મેતુલિન, લાઇબેરિયાના સારાહ સફિનફાઇનાહ, માલાવીની એગ્નેસ મેરી ચિમ્બીરી મોલાન્ડે, મોરોક્કોના ઓમર હિલાલ, નેપાળના લોક બહાદુર થાપા, શ્રીલંકાના મોહન પીરીસ, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સના ઇંગા રોન્ડા રાજા, તિમોર લેસ્ટેના કાર્લિટો નુન્સ, મંગોલિયાના એન્કબોલ્ડ વોરશિલોવ, દક્ષિણ આફ્રિકાના માથુ જોયિની અને માલદીવના રાજદૂત હાલા હમીદ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થયા હતા.
શ્રીલંકામાં યુએન એમ્બેસેડર મોહન પીરીસે પૂછ્યું હતું કે ‘આ પ્રતિનિધિમંડળ અહીંથી અન્ય નેતાઓ માટે શું સંદેશ લઈ જઈ શકે?’ ત્યારે એટલાન્ટાના BAPSના સ્વયંસેવક કુંજ પંડ્યાએ સુંદર પ્રત્યુતર આપતાં કહ્યું હતું કે “આપ સૌ બાહ્ય વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરી રહ્યા છો – જે એક મહત્વનો પ્રયાસ છે. પરંતુ આપણે સૌ સમજીએ છીએ કે વિશ્વ શાંતિ પ્રાપ્ત કરવા માટે, આપણે સૌએ પ્રથમ આંતરિક શાંતિ મેળવવી જોઈએ. હું સંયુક્ત રાષ્ટ્રના દરેક સભ્યને અહીં અક્ષરધામ ખાતે આંતરિક શાંતિની ખોજ માટે આમંત્રિત કરું છું, જેની સામૂહિક અસરથી વિશ્વશાંતિ શક્ય બની શકશે.”
સંધ્યા કાર્યક્રમમાં હજારો ભક્તો-ભાવિકો અને મહાનુભાવો પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના અસાધારણ જીવન અને મૂલ્યોને વધાવતા વિશિષ્ટ કાર્યક્રમમાં એકત્રિત થયા હતા. મહંતસ્વામી મહારાજ વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાના સ્ત્રોત રહ્યા છે. આધ્યાત્મિકતા, પ્રેમ, અને નિઃસ્વાર્થ સેવા દ્વારા તેઓએ અનેક વ્યક્તિઓના જીવન-પરિવર્તન કર્યા છે.
આર્ષ વિદ્યા મંદિરના સ્થાપક આચાર્ય સ્વામી પરમાત્માનંદજીએ સભાને સંબોધતા જણાવ્યું કે “લગભગ 48 વર્ષ પહેલાં મને મહંત સ્વામી મહારાજને મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. હું તેઓની સાથે રહ્યો હતો. આટલા વર્ષોમાં મેં એક વસ્તુનું અવલોકન કર્યું છે, કે તેઓ હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ મૂલ્યો અને હિન્દુ ધર્મના જીવંત સ્વરૂપ સમાન છે.”