સિક્કિમમાં બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડનો મૃત્યુઆંક સોમવારે વધીને 56 થયો હતો અને હજુ આશરે 142 લોકો લાપતા છે. આ લાપતા લોકોની બચવાની શક્યતા પણ હવે ઘટી રહી છે. સિક્કિમમાંથી અત્યાર સુધીમાં 56 મૃતદેહો મળી આવ્યા હતા.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે સિક્કિમમાં આવેલા અચાનક પૂરના કારણે ગુમ થયેલા સૈનિકોમાંથી આઠ સૈનિકોના મૃતદેહો મળી આવ્યાં હતા. બુધવારે વાદળ ફાટ્યા પછી તિસ્તા નદીમાં અચાનક ભયાનક પૂર આવ્યું હતું. તેનાથી 23 સૈનિકો લાપતા બન્યાં હતા. એક સૈનિકને બચાવી લેવાયા હતાં. બાકીના 14 સૈનિકો અને ગુમ થયેલા નાગરિકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી છે.
તિસ્તા નદી વહે છે તેવા સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો આર્મીના જવાનો સહિત ઓછામાં ઓછા 142 લોકોની શોધ ચાલી રહી છે.
કેન્દ્રીય મંત્રી અજય કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે કુદરતી આફતને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રવિવારથી પૂરગ્રસ્ત સિક્કિમની મુલાકાત લેશે. મિશ્રા શુક્રવારે રાત્રે ગંગટોક પહોંચ્યા હતાં અને આજે સવારે ગંગટોક ખાતે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને સંબંધિત વિભાગોના વડા તથા આર્મી, ITBP, BRO, NHIDCL અને NHPCના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
6 ઓક્ટોબર 2023એ સાંજે 4.36 વાગ્યે ઉપલબ્ધ ઇમેજને આધારે સિક્કિમ સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે લોનાક સરોવરની ખડકોની બનેલી સાઇડ દિવાલ તૂટી પડી હતી. આ દિવાલ 600 મીટર લાંબી અને 225 મીટર ઊંચી હતી. તેનાથી સરોવરમાંથી ઓચિંતા મોટા જથ્થાના પાણીનો ઓવરફ્લો થયો હતો.