(ANI Photo)

મુંબઈ પોલીસને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇ-મેઇલ મળ્યો છે. ગુરુવારે રાત્રે મોકલવામાં આવેલા આ મેઇલમાં ભારત સરકાર પાસેથી રૂ.500 કરોડની ખંડણી અને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુક્તિની પણ માંગ કરવામાં આવી છે.

બિશ્નોઈ હાલમાં દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ઘણી મેચો યોજાવાની છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી જૂથે હુમલા કરવા માટે પહેલાથી જ પોતાના લોકોને તૈનાત કરી દીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકીભર્યો મેઈલ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોકલવામાં આવ્યો હતો જેના વિશે એનઆઇએએ મુંબઈ પોલીસને જાણ કરી છે. આ મેઈલ યુરોપથી મોકલવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. અમે આ અંગે તમામ સંબંધિત એજન્સીઓને એલર્ટ કરી દીધી છે.

પોલીસ અધિકારીએ કહ્યું કે મેલમાં આપવામાં આવેલી ધમકી પણ નકલી હોવાનું જણાય છે. વિદેશમાં બેઠેલા કોઈની આ ટીખળ હોઈ શકે છે. જોકે તમામ ક્રિકેટ મેચોની સુરક્ષાની સમીક્ષા કરશે અને જરૂર પડ્યે સુરક્ષા વધારો કરાશે.

ધમકીભર્યા મેલમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર અમને રૂ.500 કરોડ આપવામાં અને લોરેન્સ બિશ્નોઈને છોડવામાં નિષ્ફળ જશે તો અમે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દઈશું. ભારતમાં બધું વેચાય છે અને અમે પણ કંઈક ખરીદ્યું છે. તમે ગમે તેટલા સુરક્ષિત હોવ, તમે અમારાથી છટકી શકશો નહીં. જો તમારે કંઈપણ વિશે વાત કરવી હોય તો આ ઈ-મેલ પર જ કરો.

LEAVE A REPLY