બોલિવૂડ એક્ટર રણબીર કપૂર પછી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં જાણીતા કોમેડિયન કપિલ શર્મા, અભિનેત્રી હુમા કુરેશી અને ટીવી અભિનેત્રી હિના ખાનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.
ત્રણેયને પૂછપરછ માટે હાજર રહેવા અલગ અલગ તારીખોએ બોલાવવામાં આવ્યા છે. જો કે તારીખ જાહેર નથી કરવામાં આવી. એજન્સી મની લોન્ડરિંગની જોગવાઈઓ હેઠળ તેમનાં નિવેદનો રેકોર્ડ કરશે. રણબીર પર સૌરભ ચંદ્રાકરની બેટિંગ એપને પ્રમોટ કરવાનો આરોપ છે.
EDએ જણાવ્યું હતું કે આ માટે હવાલા દ્વારા રણબીરને રોકડ ચુકવણી કરવામાં આવી હતી. આ સંબંધમાં અભિનેતાની પૂછપરછ થવાની છે. મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં EDએ 15 સપ્ટેમ્બરે રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
મહાદેવ બેટિંગ એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સટ્ટાબાજીના વ્યસની હતાં અને અચાનક દુબઈ ભાગી ગયા હતાં. દુબઇમાં એક શેખ અને પાકિસ્તાની પાર્ટનરની સાથે મળીને તેમણે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપ લોન્ચ કરી હતી.