અમેરિકાના 2010 થી 2020ના સેન્સસના આંકડાની વિગતોના પૃથ્થકરણ પ્રમાણે ચાઈનીઝ અમેરિકન્સ કરતાં ઈન્ડિયન અમેરિકન્સ સમુદાયનું સંખ્યાબળ વૃદ્ધિમાં આગળ નિકળી ગયું છે. અગાઉ, ચાઈનીઝ અમેરિકન્સ સમુદાય સૌથી મોટો હતો. જો કે, કુલ વસતીમાં હજી પણ 52 લાખના સંખ્યાબળ સાથે ચાઈનીઝ અમેરિકન્સ સૌથી મોટો સમુદાય છે.
2020ની વસતી ગણતરીમાં ફક્ત ઈન્ડિયન તરીકે ઓળખાતા, એટલે કે હજી ભારતીય નાગરિકો હોય તેવા માઈગ્રન્ટ્સની સંખ્યા 44 લાખની છે, જે અગાઉના દાયકાની સંખ્યા સામે 55 ટકા વૃદ્ધિ દર્શાવે છે. અને નિષ્ણાતોના મતે ભારતીય અમેરિકન્સની વધી રહેલી સંખ્યાની અસરો અમેરિકાના જાહેર જીવનમાં હવે પ્રબળ રીતે વર્તાવા, દેખાવા લાગી છે.
ઈન્ડિયન અમેરિકન્સની વસતીમાં ઝડપી વૃદ્ધિના મૂળ 1990ના દાયકામાં નખાયા હતા. અમેરિકામાં એ વખતે ટેકનોલોજી ક્ષેત્રમાં તેજીનો આરંભ થયો હતો અને કુશળ કર્મચારીઓ માટે H1 – B વિઝા પ્રોગ્રામ શરૂ થયાના પગલે ભારતની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં તૈયાર થયેલા એન્જિનિયર્સ તથા કોમ્પ્યુટર વિજ્ઞાનીઓનું હજ્જારોની સંખ્યામાં, પરિવારો સાથે અમેરિકામાં આગમન શરૂ થયું હતું. અંગ્રેજી ભાષા ઉપરનું ભારતીયોનું પ્રભુત્ત્વ આ માઈગ્રેશનનું મુખ્ય પરિબળ બની રહ્યું હતું.
એ તબક્કે સાઉથ એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ માટે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટેનું એક આકર્ષક સ્થળ બની ગયું હતું. તેના પગલે, હવે આજે તો અમેરિકામાં જ જન્મ થયો હોય તેવા ઈન્ડિયન અમેરિકન્સની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયાનું સેન્સસના આંકડા દર્શાવે છે.
આજે સ્થિતિ એ છે કે, H1 – B વિઝા માટે અરજી કરનારાઓમાં ભારતીયોની સંખ્યા લગભગ 75 ટકા જેટલી છે, તો બીજા ક્રમે આવતા ચાઈનીઝ નાગરિકોની સંખ્યા માંડ 12 ટકા જેટલી છે.
બ્રિટ્ટાની રીકો, જોયસ કી હાન અને કોડી સ્પેન્સે તૈયાર કરેલા યુએસ સેન્સસ રીપોર્ટમાં વસ્તી વિષયક લાક્ષણિકતાઓ દર્શાવે છે કે, નેપાળીઓની વસ્તીમાં 250 ટકાથી વધુનો વધારો થયો છે અને તે સૌથી ઝડપથી વિકસતું એકલું એશિયન જૂથ છે.