કાયદા પંચે ત્રણ વર્ષની જેલની સજા સાથેના ગુનાઓથી શરૂ કરીને તબક્કાવાર ધોરણે ઈ-એફઆઈઆરની શરૂઆત કરવાની ભલામણ કરી છે. આ સપ્તાહના પ્રારંભમાં સરકારને સુપરત કરેલા અહેવાલમાં આ ભલામણ કરાઈ હતી અને અહેવાલ શુક્રવારે સાર્વજનિક કરાયો હતો.
કાયદા પંચે ઈ-એફઆઈઆરની નોંધણીની સુવિધા માટે કેન્દ્રીયકૃત રાષ્ટ્રીય પોર્ટલ સ્થાપવાની દરખાસ્ત કરી છે. ઈ-એફઆઈઆરથી પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ લેવામાં થતાં વિલંબના લાબા ગાળાની સમસ્યાનો ઉકેલ આવશે. તેનાથી દેશના નાગરિકો પણ રિયલ ટાઇમ ધોરણે એટલે કે તાકીદે ગુનાઓ સામે ફરિયાદ દાખલ કરી શકશે.
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલને લખેલા તેમના પત્રમાં કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિસ રિતુ રાજ અવસ્થીએ જણાવ્યું હતું કે, “ટેક્નોલોજીની આગેકૂચને કારણે સંદેશાવ્યવહારના માધ્યમોમાં પણ કૂદકેને ભૂસકે વધારો થયો છે. આવી સ્થિતિમાં ફરિયાદ નોંધણીની પ્રાચીન પ્રણાલીને વળગી રહેવું ફોજદારી સુધારા માટે સારી નિશાની નથી.”