કાયદા પંચ એક એવી ફોર્મ્યુલા પર કામગીરી કરી રહ્યું છે કે જેથી 2029થી તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ લોકસભાની સાથે યોજી શકાય. તમામ રાજ્યોની ચૂંટણી એકસાથે યોજવા માટે કેટલીક વિધાનસભાની મુદત વધારવી પડશે અને કેટલીકની ઘટાડવી પડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સરકારે લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એકસાથે યોજવાની વિચારણા કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે, ત્યારે કાયદા પંચને રાષ્ટ્રીય અને રાજયસ્તરની ચૂંટણીઓ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પણ સમાવેશ કરવા માટે સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કાયદા પંચ લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે એક સામાન્ય મતદાર યાદી સુનિશ્ચિત કરવા માટે એક પદ્ધતિ ઘડી રહી છે જેથી એકસાથે ચૂંટણીની કવાયત હાથ ધરવા માટે માનવબળનો ઉપયોગ અને ખર્ચમાં ઘટાડો કરી શકાય. એકસાથે ચૂંટણી અંગે કાયદા પંચનો અહેવાલ હજુ તૈયાર નથી કારણ કે કેટલાક મુદ્દાઓનું સમાધાન થવાનું બાકી છે.
2029થી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂટણી એકસાથે યોજવા માટે જસ્ટિસ રિતુ રાજ અવસ્થીના વડપણ હેઠળનું પંચ વિધાનસભાની મુદત ઘટાડવા અથવા વધારવાનું સૂચન કરી શકે છે. એકવાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓનો સુમેળ થઈ જાય પછી મતદારોએ બંને ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે માત્ર એક જ વાર મતદાન મથક પર જવું પડશે. આ અંગેની સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે.
તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ તબક્કાવાર ધોરણે યોજાય છે, તેથી કાયદા પંચ બે ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે મતદારો એક કરતા વધુ વખત મતદાન મથકો પર ન જાય તે જોવા માટેનું વ્યવસ્થાતંત્ર તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. કમિશનનું માનવું છે કે વિધાનસભા અને સંસદીય ચૂંટણીઓ એકસાથે યોજી શકાય છે અને તે વિશાળ લોકશાહી કવાયતના સરળ સંચાલન માટે માત્ર મોડલ પર કામ કરી રહ્યું છે.
હાલમાં કાયદા પંચનું કાર્યક્ષેત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાના માર્ગો સૂચવવાનું છે. પરંતુ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સમિતિને લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે કેવી રીતે યોજવામાં આવે તેની ભલામણ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેથી કાયદા પંચના કાર્યક્ષેત્રને વિસ્તારીને તેમાં સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પણ સમાવેશ થવાની શક્યતા છે. કાયદા પંચ એવું સૂચન કરી શકે છે કે એક વર્ષમાં બે તબક્કામાં ત્રણ-સ્તરની ચૂંટણી યોજવી. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે અને બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવામાં આવી શકે છે.