ભારત અને કેનેડાના વિવાદ અંગે વિદેશ પ્રધાન એસ જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડાએ ખાલિસ્તાની અલગતાવાદીના મૃત્યુ અંગેના મતભેદો ઉકેલવા માટે એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ, પરંતુ કેનેડાની સરકારે આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસાને વધુ પડતી સ્વતંત્રતા આપી છે તે મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ.
શુક્રવારે વોશિંગ્ટનમાં ભારતીય પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણી અંગે કેનેડા માહિતી આપે તો ભારત તેની તપાસ કરવા તૈયાર છે. કેનેડિયનોએ કેટલાંક આક્ષેપો કર્યા છે. અમે કહ્યું છે કે આ ભારત સરકારની નીતિ નથી, આમ છતાં કેનેડા ચોક્કસ અને સંબંધિત માહિતી આપે તો અમે તેની તપાસ માટે તૈયાર છીએ. તેથી હવે નિર્ણય કેનેડાએ કરવાનો છે.
જોકે તેમણે જણાવ્યું હતું કે અમે આ ઘટનાને માત્ર એક ઘટના તરીકે જોવા માંગતા નથી, કારણ કે તેનાથી ખરુ ચિત્ર ઊભું થતું નથી. કેનેડામાં હાલમાં જે બની રહ્યું છે તે બીજા કોઇ દેશમાં થતું હોત તો વિશ્વ શાંત રહ્યું હોત? ભારતને કેનેડા અને તેની સરકાર સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સમસ્યા છે અને આ સમસ્યા આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા અંગે કેનેડાએ આપેલી અનુમતિ અંગેની છે. આ અનુમતિ એ હકીકતમાં પણ પ્રતિબિંબિત થાય છે કે કેનેડાએ ભારતની કેટલીક મહત્વપૂર્ણ પ્રત્યાર્પણ વિનંતીઓનો જવાબ આપ્યો નથી. આ પ્રત્યાર્પણ વિનંતીઓ એવા વ્યક્તિઓ અને સંગઠનોની છે કે જેઓ ભારતમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને હિંસામાં સંડોવાયેલા છે.
જયશંકરે જણાવ્યું હતું કે તેમણે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ અંગે ચર્ચા કરી હતી. સૌથી મહત્ત્વની બાબત એ કે કેનેડામાં અમારી રાજદ્વારી મિશન અને રાજદ્રારીઓને સતત ધાક ધમકી મળે છે. તેમના માટે કામ કરવાનું સુરક્ષિત નથી. તેનાથી અમારે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવી પડી છે. આ બાબત અમને ગમે છે તેવું નથી, પરંતુ કેનેડાએ વિઝા સેવા ઓપરેટ કરવાનું મુશ્કેલ બનાવ્યું છે.