ભારતનું વિદેશી દેવુ જૂન ક્વાર્ટરના અંતે સાધારણ વધીને 629.1 બિલિયન ડોલર થયું હોવા છતાં એક્સટર્નલ ડેટ ટુ જીડીપી રેશિયો ઘટ્યો હતો. રીઝર્વ બેન્કે તાજેતરમાં આ આંકડા જાહેર કર્યા હતા. માર્ચ ક્વાર્ટરના અંતે આ દેવુ 624.3 બિલિયન ડોલર હતું. આમ, તેમાં ત્રિમાસિક ધોરણે 4.7 અબજ ડોલરનો વધારો થયો હતો.

આરબીઆઈએ કહ્યું હતું કે સરકારનું બાકી દેવું ઘટ્યું હતું, જ્યારે ખાનગી દેવુ વધ્યું હતું. એક્સટર્નલ ડેટ ટુ જીડીપી રેશિયો ઘટીને 18.6 ટકા થયો હતો, જે માર્ચના ક્વાર્ટરના અંતે 18.8 ટકા હતો. તેમાં પણ યુએસ ડોલર અને જાપાનીઝ યેન જેવી કરન્સીમાં સુધારાને કારણે 3.1 બિલિયન ડોલરની અસર થઈ હતી. ભારતના વિદેશી દેવામાં સૌથી મોટો ભાગ અમેરિકન ડોલર કરન્સીનો છે, 54.4 ટકા હિસ્સો હતો. પછી બીજા ક્રમે ભારતીય કરન્સી રૂપિયામાં દેવું 30.4 ટકા રહ્યું હતું. એસડીઆરમાં 5.9 ટકા, યેનમાં 5.7 ટકા અને યુરોમાં 3.0 ટકા રહ્યું હતું.
મૂલ્યાંકન અસરને ગણતરીમાં ન લઈએ તો વિદેશી દેવુ માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં 7.8 બિલિયન ડોલર વધ્યું છે. લોંગ ટર્મ ડેટ (1 વર્ષથી વધુની પાકતી મુદ્દત હોય તેવું દેવુ) 505.5 બિલિયન ડોલર થયું હતું, જેમાં 9.6 બિલિયન ડોલરનો વધારો થયો હતો.

LEAVE A REPLY