ભારતમાં બેરોજગારી એક ગંભીર સમસ્યા બની રહી છે. કોવિડની મહામારી પછી 25 વર્ષથી ઓછી ઉંમરના 42 ટકા ગ્રેજ્યુએટ બેરોજગાર હતા અને વૈશ્વિક અર્થતંત્ર નબળું પડવાના કારણે રોજગાર સર્જનમાં ઘટાડો થયો હતો એમ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીએ તાજેતરમાં પ્રસિધ્ધ કરેલા રીપોર્ટમાં જણાવ્યું હતું.

‘સ્ટેટ ઓફ વર્કિંગ ઇન્ડિયા 2023: સોશિયલ આઇડેન્ટિટીઝ એન્ડ લેબર માર્કેટ આઉટકમ્સ’ નામના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચ શિક્ષણ ધરાવતા યુવાનોમાં પણ બેરોજગારીનું પ્રમાણ વધુ છે.
ઇપીએફઓના 2021-22ના આંકડાને ટાંકીને રીપોર્ટમાં જણાવાયું છે કે ઔપચારિક ક્ષેત્રમાં રોજગારી, 2019-20ની સરખામણીમાં 5.3 ટકા ઓછી છે. આ ઉપરાંત 2019-20થી 2021-22 સુધી ઔપચારિક ક્ષેત્રમાં રોજગાર આપનારની સંખ્યામાં 10.5 ટકાનો ભારે ઘટાડો થયો છે. જાન્યુઆરી 2023માં 8000 ઉમેદવારોએ ગુજરાત યુનિવર્સિટીમાં કલાર્કની ભરતી માટેની પરીક્ષા આપી હતી. તેમાં કેટલાક તો એમએસસી અને એમટેક થયેલા ઉમેદવારો હતા. જૂન 2023માં મહારાષ્ટ્રમાં કલાર્કની ભરતીની 4600 જગ્યા માટે 10.5 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી અને તેમાં એમબીએ, એન્જિનિયર અને પીએચડી હોલ્ડર્સ પણ સામેલ હતા.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના આંકડા મુજબ, 2016-17 અને માર્ચ 2023ની વચ્ચે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની નોકરીઓમાં 31 ટકાનો ઘટાડો થયો છે. આ સર્વે અનુસાર ગ્રામીણ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે. 2021-22માં ફક્ત 21 ટકા શ્રમિકોની પાસે ઔપચારિક નોકરીઓ હતી, જે હજુ પણ 23 ટકાની કોરોના મહામારી અગાઉના સમયગાળાથી ઓછી છે.
ઓગસ્ટ 2022 સુધી કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 9.8 લાખ નોકરીની જગ્યા ખાલી હતી. સીએમઆઈઈના ડેટાથી ખ્યાલ આવે છે કે 2015-16 અને 2022-23ની વચ્ચે સરકારી નોકરીઓમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ભારતમાં અત્યારે પ્રતિ 1000ની વસ્તીએ સરકારી કર્મચારીઓની સંખ્યા ઓછી છે. આ સંખ્યા અમેરિકા, બ્રાઝીલ અને ચીન કરતા પણ ઓછી છે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના એપ્રિલ 2023ના રિપોર્ટના આંકડા સૌથી નિરાશાજનક છે, તે મુજબ ભારતમાં કુલ 33 ટકા યુવાનો પાસે નોકરી નથી અને આ 33 ટકા યુવાનો અભ્યાસ કરી રહ્યા નથી અને કોઈ ટ્રેનિંગ પણ લઈ રહ્યા નથી.

LEAVE A REPLY