અમેરિકામાં ગ્રીન કાર્ડ અથવા કાયમી નિવાસની મંજૂરી મેળવવા માટે ખોટા લગ્ન કરવાના કેસમાં 35 વર્ષીય ભારતીય નાગરિક દોષિત ઠર્યો છે.
આ અંગે યુએસ એટર્ની ટ્રિનિ ઇ રોસે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, આ ગુનામાં વિવેક ચૌહાણને વધુમાં વધુ પાંચ વર્ષની જેલ સજા અને 250,000 ડોલરનો દંડ થઇ શકે છે. આ કેસની તપાસમાં જણાયું હતું કે, વિવેકે 2 એપ્રિલ, 2018ના રોજ મેસ્સેચ્યુસેટ્સના વર્સેસ્ટરમાં અમેરિકન નાગરિક સાથે ખોટા લગ્ન કર્યા હતા. તેઓ લગ્ન પછી ક્યારેય સાથે રહ્યા નથી અને વિવેક ચૌહાણને ગ્રીન કાર્ડ મળે તે હેતુથી તેમણે માત્ર લગ્નનો કરાર કર્યો હતો.
વિવેક ચૌહાણે 1 જુન 2018ના રોજ કાયમી નિવાસ માટે ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો. મે 2019માં તે બંનેનો યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS) દ્વારા ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો અને તેમાં તેની પત્ની જણાવ્યું હતું કે, તે વિવેક સાથે કનેક્ટિકટમાં સાથે રહે છે. નવેમ્બર 2021માં USCIS દ્વારા તેમનો ફરીથી ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે એવો દાવો કર્યો હતો કે, તે તેની પત્ની સાથે હંમેશા કનેક્ટીકટમાં જ રહે છે. આ ઉપરાંત તેણે ખોટો દાવો પણ કર્યો હતો કે, તેની પત્ની ગર્ભવતી છે.
આ કેસની વધુ તપાસમાં જણાયું હતું કે, વિવેકે ષડયંત્રના ભાગરૂપે જે અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હતા, તેણે હેમ્બર્ગમાં ખોટી રીતે થયેલા અનેક લગ્નોમાં મધ્યસ્થી (દલાલ)ની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બફેલોમાં થયેલા USCISના અન્ય ઇન્ટરવ્યૂમાં પણ તેણે સુવિધા આપી હતી.
વિવેકને આવતા વર્ષે 26 જાન્યુઆરીના રોજ સજા જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY