ભારતમાં યુએસ મિશનએ 27 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેને 2023માં 10 લાખ નોન-ઇમિગ્રન્ટ વિઝા અરજીઓ પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક વટાવી દીધો છે. વિશ્વભરમાં દર 10 વિઝા અરજીમાં એક અરજી ભારતીય કરે છે. તે 2019ની સરખામણીમાં 20 ટકા વધુ અરજીઓને પ્રોસેસ કરે છે.
ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે કરેલી જાહેરાત પ્રમાણે ગયા વર્ષે 12 લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી. અમેરિકાને હાલમાં આખી દુનિયામાંથી જે વિઝા અરજીઓ મળે છે તેમાં એકલા ભારતનો હિસ્સો 10 ટકા છે. યુએસ માટે સ્ટુડન્ટ વિઝાની જે અરજીઓ આવે છે તેમાં 20 ટકા અરજીઓ ભારતની હોય છે જ્યારે એમ્પ્લોયમેન્ટની કેટેગરીમાં 65 ટકા અરજીઓ ભારતથી થઈ હોય છે. અમેરિકા આ બાબતથી ખુશ છે અને મોટી સંખ્યામાં ભારતીયોને પોતાને ત્યાં આવકારવા માટે તૈયાર છે.
અમેરિકન રાજદૂત એરિક ગાર્સેટીએ તો ત્યાં સુધી કહ્યું કે ભારત સાથે અમારી પાર્ટનરશિપ અમેરિકાની સૌથી મહત્ત્વની દ્વિપક્ષીય હિસ્સેદારી પૈકી એક છે. તમે અમેરિકામાં ભણતા હોવ, કામ કરતા હોવ, વેકેશન ગાળો કે રોકાણ કરવા માગતા હોવ, તમારા યોગદાનથી આ સંબંધો મજબૂત બનશે. અમેરિકન દૂતાવાસે કહ્યું કે તે વિઝા આપવામાં અગાઉના રેકોર્ડ તોડશે અને વધુને વધુ ભારતીયોને વિઝા આપવા માંગે છે.
છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકન મિશને ભારતમાં પોતાના સ્ટાફની સંખ્યા વધારી છે જેથી વિઝા આપવાની પ્રોસેસ ઝડપી બને. ચેન્નાઈના કોન્સ્યુલેટ ખાતે હાલની સુવિધા વધારવામાં આવી છે અને હૈદરાબાદમાં એક નવી કોન્સ્યુલેટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. હજુ પણ ભારતમાં કોન્સ્યુલેટની કામગીરીમાં રોકાણ કવધારવામાં આવશે. ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે ટ્વિટર પર એક વીડિયો મૂકીને એક મિલિયન વિઝાની સિદ્ધિને બિરદાવી છે.
ભારતથી અમેરિકા હાયર એજ્યુકેશન માટે જતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય સ્ટુડન્ટ્સ માટે ટોપ ત્રણ દેશોમાં અમેરિકા, કેનેડા અને યુકેનો સમાવેશ થાય છે. હાલમાં ભારત અને કેનેડાના સંબંધોમાં કડવાશ આવી છે, પરંતુ વિઝા આપવાની વાત આવે છે ત્યાં સુધી અમેરિકાએ પોતાની ઝડપમાં ભારે વધારો કર્યો છે.