બે વિદ્યાર્થીઓની હત્યા પછી ફરી હિંસાની આગમાં સપડાયેલાં ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરને બુધવારે અશાંત વિસ્તાર જાહેર કરાયો હતો. રાજ્યમાં ‘આફસ્પા’ ધ આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ વધુ છ મહિના માટે લંબાવાયો છે. આ ધારા હેઠળ સંરક્ષણ દળોને વધુ સત્તા મળે છે. મણિપુરમાં અનામતને મુદ્દે મૈતેઇ અને આદિવાસી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી અને તેમાંથી અત્યાર સુધી 160થી વધુ લોકોના મોત થયા છે.
મૈતેઇ સમુદાયના બે વિદ્યાર્થીઓની હત્યા પછી રાજ્યમાં ફરી હિંસા વકરી છે. થૌબલ જિલ્લામાં સત્તાધારી ભાજપની બે ઓફિસોને પણ દેખાવકારોએ આગ ચાંપી દીધી હતી.
બે વિદ્યાર્થીઓની હત્યાના વિરોધને પગલે રાજ્યમાં હિંસામાં વધારો થયો છે. સરકારે એક સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં મણિપુરના રાજ્યપાલ દ્વારા 19 પોલીસ સ્ટેશનની તાબા હેઠળના વિસ્તારોને બાદ કરતાં સમગ્ર રાજ્યને 1 ઓક્ટોબર, 2023થી છ મહિના માટે અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં વિદ્રોહી અને કટ્ટરપંથીઓની હિંસક ગતિવિધિઓને કારણે સમગ્ર રાજ્યમાં સ્થાનિક વહીવટીતંત્રની મદદ માટે સશસ્ત્ર દળની આવશ્યક્તા છે. મણિપુરના બે વિદ્યાર્થીના ‘અપહરણ અને હત્યા’ના કેસની તપાસ માટે સ્પેશિયલ ડિરેક્ટર અજય ભટનાગરના નેતૃત્વમાં સીબીઆઇની ટીમ બુધવારે બપોરે ઇમ્ફાલ પહોંચી હતી