ગત ઓગસ્ટમાં ફુગાવો અણધારી રીતે 18-મહિનાની નીચી સપાટીએ પહોંચીને 6.7 ટકા થયો હતો. જેને કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ લગભગ બે વર્ષમાં પ્રથમ વખત તેનો ચાવીરૂપ વ્યાજ દર 5.25 ટકા યથાવત રાખવા સાંકડી બહુમતીથી મત આપ્યો હતો. આ નિર્ણયને પગલે કેટલીક બેન્કોએ મોરગેજ ધારકોને રાહત આપવા પોતાના વ્યાજ દરો પણ ઘટાડ્યા હતા. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના વ્યાજ દરનો સ્થિર કરતા મોરગેજ ધારકોને રાહત મળી હતી.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ જણાવ્યું હતું કે આ ઘટાડો ફેબ્રુઆરી 2022 પછી સૌથી નીચો હતો. આ સમાચારના કારણે બુધવારે તા. 20ના રોજ સવારના સોદામાં પાઉન્ડ લગભગ 0.4 ટકા ઘટીને $1.2347 પર થયો હતો.
ચાન્સેલર ઓફ એક્સ્ચેકર જેરેમી હંટે જણાવ્યું હતું કે તેમની કોન્ઝર્વેટીવ સરકારની ફુગાવો ઘટાડવાની યોજના કાર્ય કરી રહી છે. પરંતુ તેમણે સ્વીકાર્યું હતું કે તે દર “હજુ પણ ખૂબ ઊંચો” છે. ડેટા દર્શાવે છે કે યુરોઝોન ફુગાવો પણ ઓગસ્ટમાં થોડો ધીમો પડ્યો હતો. બ્રિટિશ ફુગાવો ગયા વર્ષે ઓક્ટોબરમાં 11.1 ટકાના 41 વર્ષની ટોચે પહોંચ્યો હતો જે સમૃદ્ધ રાષ્ટ્રોના G7 જૂથમાં સૌથી વધુ હતો.
ફુગાવાને નીચે લાવવા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં તેના મુખ્ય વ્યાજ દરને સતત 14 વખત 5.25 ટકાના વર્તમાન સ્તર સુધી વધાર્યો છે.