અમેરિકાના જાણીતા અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, ખાલિસ્તાની ત્રાસવાદી અને ભાગલાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાની ગુપ્ત માહિતી અમેરિકાએ કેનેડાને આપી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હતી, પરંતુ કેનેડા સરકાર દ્વારા આંતરવામાં આવેલી માહિતી વધુ નિશ્ચિત હતી અને તેણે ભારત પર ષડયંત્ર રચવાનો ભારત પર આરોપ મૂક્યો હતો.
કેનેડામાં અમેરિકાના ઉચ્ચ રાજદ્વારીએ પુષ્ટિ કરી હતી કે “ફાઇવ આઇઝમાં જોડાયેલા દેશોને ગુપ્ત માહિતી આપવામાં આવી” હતી, તેના કારણે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીની હત્યાના મુદ્દે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ભારત સામે ગંભીર આરોપ મુકવાનો મોકો મળ્યો હતો.
ન્યૂયોર્ક ટાઇમ્સના રીપોર્ટમાં સંબંધિત અજાણ્યા અધિકારીઓને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, “નિજ્જર હત્યાકાંડ પછી, અમેરિકન જાસૂસી એજન્સીઓએ કેનેડાની આવી એજન્સીઓને માહિતી આપી હતી.
અખબારી રીપોર્ટમાં બે અધિકારીઓના જણાવ્યા મુજબ, નિજ્જરની હત્યા પછી અમેરિકન અધિકારીઓએ કેનેડાને જણાવ્યું હતું કે, આ ષડયંત્ર અંગે અમેરિકન એડમિનિસ્ટ્રેશનને અગાઉથી કોઇ માહિતી મળી નહોતી. અમેરિકન અધિકારીઓને કોઇ જાણ હોત તો તેમણે જાસૂસી એજન્સીઓને ચેતવણી આપવાની ફરજના ભાગરૂપે તાત્કાલિક કેનેડાને માહિતી આપી હોત.
બીજી તરફ, ભારતે કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ બંધ કર્યા પછી ભારતીય હાઈકમિશને એવી સ્પષ્ટતા કરી હતી કે કેનેડામાં વસતા ભારતીયો માટે કોન્સ્યુલર સેવાઓ ચાલુ રહેશે.
તો કેનેડામાં વિરોધ પક્ષો તેમજ સત્તા પક્ષના પણ કેટલાક નેતાઓએ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના ભારત સામેના આક્ષેપોને વખોડી કાઢ્યા હતા, તો સત્તાધારી પક્ષના જ સાંસદો અને મિનિસ્ટરોએ ભારતીય કેનેડિયન સમુદાયને કેનેડા છોડી જવાની ખાલિસ્તાન તરફ ગુરપતવંત પન્નનું ધમકીને પણ વખોડી કાઢી હતી. કેનેડા સરકારે આ ખાલિસ્તાન તરફી સંસ્થાઓ સામે કોઈ આકરા પગલાં લેવાનો તેનો ઈરાદો હોય તેવા સંકેતો મળતા નથી.