પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્ક પછી યુકેની બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદરમાં વધારા પર બ્રેક મારી હતી. આનાથી સંકેત મળે છે કે વિકસિત દેશોમાં વ્યાજદરમાં વધારાનો ટ્રેન્ડ હવે પૂરો થયો છે. છેલ્લી ત્રણ મીટિંગમાંથી બે મીટિંગમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર યથાવત રાખ્યા હતાં. બીજી બાજુ બ્રિટને પણ રેટ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે સતત ૧૪ વખત વ્યાજ દરમાં વધારો કર્યા બાદ ગુરુવારની બેઠકના અંતે વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. ફુગાવામાં આશ્ચર્યજનક ઘટાડાને ધ્યાનમાં રાખી બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દર ૫.૨૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.    

બેન્ક ફુગાવા પર લગામ લગાવવા માટે ડિસેમ્બર 2021થી સતત દરમાં વધારો કરી રહી હતીઅને ઓગસ્ટમાં તેનો મુખ્ય પોલિસી રેટ 0.1%થી  વધીને 5.25%ના 15-વર્ષની ટોચે પહોંચ્યો હતો.  

ફુગાવાની સ્થિતિ હળવી થતા વ્યાજ દરમાં વધારો અટકાવી દેવાયો હોવાનું ફેડરલ ઓપન માર્કેટ કમિટિ (એફઓએમસી)ના અધ્યક્ષ જેરોમ પોવેલે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતું. જો કે કમિટિના કેટલાક સભ્યોએ વર્તમાન વર્ષમાં વ્યાજ દરમાં વધારો આવવાના સંકેત આપ્યા હતા. મુખ્ય વ્યાજ દર હાલમાં ૫.૪૦ ટકા છે.  

માર્ચ ૨૦૨૨થી અત્યારસુધીમાં ફેડરલે ૧૧ વખત વ્યાજ દરમાં વધારો કરાયો છે અને આ વધારાથી ભાવ પર કેવી અસર પડે છે તેની ફેડરલ સમીક્ષા કરવા માગે છે. જૂન ૨૦૨૨માં રિટેલ ફુગાવો જે ૯.૧૦ ટકાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો તે ગયા મહિને ઘટી ૩.૭૦ ટકા પર આવી ગયો હતો. જો કે ફેડરલના બે ટકાના ટાર્ગેટની સરખામણીએ તે હજુ પણ ઊંચો છે.  

૨૦૨૪માં વ્યાજ દરમાં બે વખત જ ઘટાડો થવાના પણ ફેડરલ રિઝર્વ દ્વારા સંકેત અપાયા હતા. આ અગાઉ જૂનમાં ચાર વખત કપાતના સંકેત અપાયા હતા.  

 

LEAVE A REPLY