જૂના જમાનાના જાણીતા અભિનેતા સ્વ. દેવ આનંદને આજે પણ ખૂબ જ યાદ કરવામાં આવે છે. હવે તાજેતરમાં જ તેમના સાથે જોડાયેલી મિલકતની ચર્ચાએ થઇ રહી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમનો મુંબઇના જુહુમાં આવેલો બંગલો ખૂબ જ મોટી કિંમતે વેચાણ થયું છે.
અખબારી રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ બંગલાને અંદાજે રૂ. 400 કરોડમાં એક બિલ્ડરને વેચવામાં આવ્યો હતો પરંતુ તેને દેવ આનંદના પરિજનોએ ફગાવ્યો હતો.
દેવ આનંદના ભત્રીજા અને ફિલ્મ નિર્માતા કેતન આનંદે આ સમાચારને ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગલો વેચાયો હોવાની વાતો પાયાવિહોણી છે અને ઘર વેચવામાં આવ્યું નથી. એવા સમાચાર બહાર આવ્યા હતા કે, તે બંગલાને સ્થાને ત્યાં 22 માળની બિલ્ડિંગ બનાવાશે.
એવી વાત વહેતી થઇ હતી કે, પરિવાર બંગલાની સંભાળ રાખી રહ્યા નથી અને તેથી બંગલાને વેચવાનો નિર્ણય લેવાયો છે પરંતુ આ સમાચારને અફવા માનવામાં આવી હતી.
આ બંગલો 73 વર્ષ જૂનો છે. આ બંગલામાં દેવ આનંદે પોતાનું સમગ્ર જીવન વિતાવ્યું હતું. પત્ની કલ્પના કાર્તિક અને બે બાળકો સાથે દેવ આનંદે આ ઘરમાં 40 વર્ષ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ પુત્ર સુનિલ અમેરિકામાં અને પુત્રી દેવિના માતા સાથે દક્ષિણ ભારતના ઉટીમાં રહે છે. દેવ આનંદનું 88 વર્ષની ઉંમર 3 ડિસેમ્બર 2011ના રોજ લંડનમાં હૃદયરોગના હુમલામાં મોત થયું હતું. દેવ આનંદે અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે જુહુ ખાતે આ બંગલો 1950ના વર્ષમાં બનાવ્યો હતો. તે સમયે જુહુ વિસ્તાર ગામડા જેવો હતો અને ખૂબ ઓછી વસ્તી હતી. દેવ આનંદને ભીડભાડથી દૂર શાંત વિસ્તારમાં રહેવાનું પસંદ હોવાથી તેમણે વસવાટ માટે આ વિસ્તાર પસંદ કર્યો હતો.