કેનેડાના ટોરોન્ટોમાં સોમવારે ભારતના રાજદ્વારી મિશનની બહાર ખાલિસ્તાનીઓના એક જૂથે દેખાવો કર્યા હતા. ટોરોન્ટોમાં લગભગ 100 ખાલિસ્તાનીઓએ ભારતીય ધ્વજ સળગાવી દીધો અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કટ-આઉટ પર જૂતા વડે પ્રહાર કર્યા હતા. લગભગ 200 ખાલિસ્તાનીઓ પણ વેનકુવર કોન્સ્યુલેટની બહાર એકઠા થયા હતા.
ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરની ઓફિસ (દૂતાવાસ) સામે 100થી ઓછા લોકો એકઠા થયા હતા. તેઓએ “ખાલિસ્તાન” લખેલા પીળા ધ્વજ લહેરાવ્યા હતાં. કેનેડા લગભગ 770,000 શીખો રહે છે. દેખાવકારોએ ખાલિસ્તાની ઝંડા લહેરાવ્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આવો જ વિરોધ ટોરોન્ટોમાં થયો હતો. દરમિયાન વાનકુવર પોલીસ વિભાગે ભારતીય કોન્સ્યુલેટ ખાતે સુરક્ષા વધારી દીધી હતી અને સાવચેતીના ભાગરૂપે નજીકના રસ્તાઓ બંધ કરી દીધા હતા.
ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટની સંડોવાણી હોવાના કેનેડાના વડાપ્રધાનના આક્ષેપ પછી ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા છે.