(ANI Photo/Jitender Gupta)

નવી દિલ્હીમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ઈન્ટરનેશનલ લોયર્સ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે જણાવ્યું હતું કે ત્રણ સૂચિત ફોજદારી કાયદા પ્રજાલક્ષી છે અને આ કાયદાઓનો મુખ્ય હેતુ નાગરિકોના બંધારણીય, માનવ અને વ્યક્તિગત અધિકારોનું રક્ષણ કરવાનો છે. તેમણે દેશના તમામ વકીલોને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા ધારા અંગે સૂચનો કરવાનો અનુરોધ કર્યો હતો, જેથી દેશમાં તમામને લાભ થાય તેવા શ્રેષ્ઠ કાયદા બનાવી શકાય.

અમિત શાહે કહ્યું હતું કે ત્રણેય બિલનો અભિગમ માત્ર સજા કરવાને બદલે ન્યાય આપવાનો છે. 11 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરાયેલા આ ત્રણ બિલ અનુક્રમે ભારતીય દંડ સંહિતા, 1860, ફોજદારી કાર્યવાહી ધારા, 1898 અને ભારતીય પુરાવા ધારા, 1872નું સ્થાન લેશે. ભારતની ફોજદારી ન્યાય પ્રણાલી પર બ્રિટિશ રાજના કાયદાનો પ્રભાવ હતો, પરંતુ આ ત્રણેય નવા બિલોમાં ભારતીય માટીનો સ્વાદ છે. આ ત્રણ પ્રસ્તાવિત કાયદાઓનો મુખ્ય મુદ્દો નાગરિકોના બંધારણીય અને માનવ અધિકારો તેમજ તેમના અંગત અધિકારોનું રક્ષણ કરવાનો છે. વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને ફોજદારી કાયદાઓમાં વ્યાપક સુધારાની પહેલ કરાઈ છે.

ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આ કાયદા લગભગ 160 વર્ષ પછી સંપૂર્ણપણે નવા અભિગમ અને નવી સિસ્ટમ સાથે આવી રહ્યા છે. આની સાથે સરકારે કાયદા અનુકૂળ ઇકોસિસ્ટમ બનાવવા માટે ત્રણ નવી પહેલ પણ કરી છે. પ્રથમ ઈ-કોર્ટ છે. બીજી ઈન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ (ICJS) અને ત્રીજી આ ત્રણ પ્રસ્તાવિત કાયદાઓમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ છે.

LEAVE A REPLY