ભારતીય ટીમે રવિવારે ઈન્દોરમાં બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવી વિજય સાથે કેટલાય રેકોર્ડ પણ સર્જયા હતા. બન્ને ટીમોમાંથી ભારતનો 399 રનનો સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ આમાં મુખ્ય હતો, તો વન-ડે ઈન્ટરનેશનલ્સમાં 3007 – સૌથી વધુ છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ પણ આ મેચમાં નોંધાયો હતો.
ભારત પછી વેસ્ટ ઈન્ડિઝ બીજા ક્રમે (2953 છગ્ગા), પાકિસ્તાન ત્રીજા ક્રમે (2566 છગ્ગા) અને ઓસ્ટ્રેલિયા (2485 છગ્ગા) ચોથા ક્રમે છે. કેમરૂન ગ્રીન ભારત સામે વન-ડેમાં સૌથી વધુ રન આપનાર બોલર બન્યો હતો, તેણે બે વિકેટ લઈ 10 ઓવરમાં 103 રન આપ્યા હતા. તે ઓસ્ટ્રેલિયાનો પણ સૌથી વધુ રન આપનારો બોલર બન્યો હતો. ભારતે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અજેય રહ્યાનો રેકોર્ડ સાતમી મેચમાં પણ જાળવ્યો હતો.
પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. શનિવાર સુધી આ રેકોર્ડ અનિલ કુંબલેના નામે હતો, તેણે લીધેલી 142 વિકેટ સામે અશ્વિનના ઓસ્ટ્રેલિયન શિકારની સંખ્યા રવિવારે 144ની થઈ હતી.
તો શુભમન ગિલે સૌથી નાની વયના બેટર તરીકે એક કેલેન્ડર વર્ષમાં પાંચ સદીનો રેકોર્ડ તેના નામે કર્યો હતો. એક વર્ષમાં પાંચ સદીના રેકોર્ડ તો ભારત તરફથી કોહલીએ ચાર વાર, રોહિત શર્માએ ત્રણ વાર, સચિન તેંડુલકરે બે વાર, રાહુલ દ્રવિડ-સૌરવ ગાંગુલી-શિખર ધવને એક-એક વાર નોંધાવ્યા છે.