ANI Photo)

ઈન્દોરમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ભારતે અનેક રેકોર્ડ્સ સાથે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવી ત્રણ વન-ડેની આ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી હતી. વરસાદના વિક્ષેપના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પણ ટીમ 28.2 ઓવર્સમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ટોસ જીતી પહેલા ભારતને બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો અને આ નિર્ણય તેને ભારે પડ્યો હતો. શુભમન ગિલ અને શ્રેયસ ઐયરની સદી તથા સુકાની કે. એલ. રાહુલ અને સૂર્યકુમાર યાદવની ઝમકદાર અડધી સદીઓ સાથે ભારતે પાંચ વિકેટે 399 રન ખડકી દીધા હતા. ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે વન-ડેમાં સૌથી વધુ સ્કોરનો આ નવો રેકોર્ડ સર્જાયો છે. 

ભારતે ઓપનર ઋતુરાજ ગાયકવાડની વિકેટ સસ્તામાં ગુમાવી હતી, પણ એ પછી ગિલની સાથે શ્રેયસ ઐયર જોડાયો હતો અને બન્નેએ કાંગારૂ બોલર્સને સ્હેજે મચક આપ્યા વિના 200 રનની ભાગીદારી નોંધાવી હતી. ઐયરે 90 બોલમાં 3 છગ્ગા અને 11 ચોગ્ગા સાથે 105 રન કર્યા હતા, તો ગિલે 97 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 104 રન કર્યા હતા. ઈશાન કિશને પણ બે છગ્ગા અને બે ચોગ્ગા સાથે ફક્ત 18 બોલમાં 31 રન કર્યા હતા, તો સુકાની રાહુલે ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગા સાથે 38 બોલમાં 52 રન કર્યા હતા. સૌથી ધમાકેદાર બેટિંગ સૂર્યકુમાર યાદવની રહી હતી, તેણે 37 બોલમાં છ છગ્ગા અને છ ચોગ્ગા સાથે અણનમ 72 રન કર્યા હતા અને કેમરૂન ગ્રીનની એક ઓવરમાં તો સૂર્યકુમારે સતત ચાર બોલમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. ગ્રીનની એ એક ઓવરમાં ભારતે 26 રન લીધા હતા. 

ઓસ્ટ્રેલિયા તરફથી ગ્રીને 10 ઓવરમાં 103 રન આપી બે વિકેટ લીધી હતી, તો જોશ હેઝલવૂડ, સોન એબટ્ટ તથા એડમ ઝમ્પાએ એક-એક વિકેટ લીધી હતી. 

જવાબમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત જ કંગાળ રહી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ પોતાની પહેલી અને ઈનિંગની બીજી જ ઓવરમાં ઓપનર મેથ્યુ શોર્ટ અને પછી સ્ટીવ સ્મિથની વિકેટો ઉપરાઉપરી ઝડપી કાંગારૂ ટીમને ભીંસમાં મુકી દીધી હતી. એ પછી ડેવિડ વોર્નર અને લબુશેને ત્રીજી વિકેટની ભાગીદારીમાં કઈંક મક્કમ પ્રતિકાર કરી 80 રન ઉમેર્યા હતા. વોર્નરે 53 તથા લબુશેને 27 રન કર્યા હતા. પણ 89 રને રવિચન્દ્રન અશ્વિને લબુશેનને વિદાય કર્યો પછી ઓસ્ટ્રેલિયન ટીમ ક્યારે ય સ્પર્ધામાં રહી દેખાતી નહોતી અને 140 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી ફરી સોન એબટ્ટ અને જોશ હેઝલવૂડે આક્રમક બેટિંગ કરી 9મી વિકેટની ભાગીદારીમાં 77 રન કર્યા હતા. પણ આખરી મોહમદ શમીએ ભાગીદારી તોડી હતી અને એ પછી જાડેજાએ એબટ્ટને વિદાય કરી ભારતને વિજયની મંઝિલે પહોંચાડી દીધી હતી. ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ 3-3, પ્રસિદ્ધ ક્રિષ્નાએ બે તથા શમીએ એક વિકેટ લીધી હતી. શ્રેયસ ઐયરને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. 

આ અગાઉ બન્ને ટીમ વચ્ચે સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, તેણે 2020માં સીડની ખાતે ચાર વિકેટે 389 રન કર્યા હતા અને પછી ભારત સામે 9 વિકેટે 338 રન કર્યા હતા. 

પ્રથમ વન-ડેમાં ભારતનો પાંચ વિકેટે વિજયઃ આ અગાઉ, શુક્રવારે મોહાલીમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટે હરાવ્યું હતું. ભારતે ટોસ જીતી ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને પ્રવાસી ટીમ 50મી ઓવરના અંતિમ બોલે 276 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વોર્નરના 52, સ્મિથના 41 અને લબુશેનના 39 રન મુખ્ય હતા, તો મોહમત શમીએ પાંચ વિકેટ ઝડપી તેની કેરિયરનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તે ઉપરાંત બુમરાહ, અશ્વિન અને જાડેજાએ એક-એક વિકેટ લીધી હતી.  

જવાબમાં ભારતના ઓપનર્સ ગાયકવાડ (71) અને ગિલે (74) ઓપનિંગ ભાગીદારીમાં જ 142 રન કરી વિજયનો પાયો નાખ્યો હતો. એ પછી સુકાની રાહુલ (અણનમ 58) અને સૂર્યકુમાર યાદવે (50) અડધી સદીઓ કરી હતી. શમીને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ભારતે 48.4 ઓવરમાં પાંચ વિકેટે 281 રન કર્યા હતા. 

આ પહેલા ટીમની ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી જીત 1996માં થઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયાએ 5 રનથી મેચ જીતી લીધી હતી. મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 27 વર્ષ પછી વિજય ધ્વજ લહેરાયો હતો. 

આ વિજય સાથે ભારતીય ટીમ વન-ડેમાં તેમજ ટેસ્ટ અને ટી-20માં પણ ટોચના ક્રમે આવી ગઈ હતી. 

LEAVE A REPLY