ભારત અને કેનેડા વચ્ચે તંગદિલીમાં વધારો થયો હોવાથી કેનેડામાં પોતાના બાળકોના શિક્ષણ માટે જંગી રોકાણ કરનારા માતાપિતાની ચિંતા વધી છે. એક વિશ્લેષણ મુજબ એકલા પંજાબમાંથી દર વર્ષે કેનેડામાં શિક્ષણ માટે રૂ.68,000 કરોડનું રોકાણ કરવામાં આવે છે.
મીડિયા રીપોર્ટ મુજબ ગયા વર્ષે કેનેડાએ રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) હેઠળ કુલ 226,450 વિઝા મંજૂર કર્યાં હતા અને આશરે 1.36 લાખ વિદ્યાર્થીઓ પંજાબના હતાં. આ વિદ્યાર્થીઓ બે થી ત્રણ વર્ષના વિવિધ કોર્સ કરી રહ્યાં છે.
સ્ટુડન્ટ વિઝા પ્રોસેસિંગ એજન્સીઓના વર્તમાન ડેટા સૂચવે છે કે લગભગ 3.4 લાખ પંજાબી વિદ્યાર્થીઓ કેનેડાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. કેનેડામાં માઇગ્રેટ થયેલા કુલ ભારતીયોમાંથી આશરે 60 લોકો પંજાબી છે. ગયા વર્ષે આશરે 1.36 લાખ વિદ્યાર્થીઓ કેનેડા ગયા હતા. સરેરાશ ધોરણે દરેક વિદ્યાર્થી વાર્ષિક ફી તરીકે આશરે 17,000 કેનેડિયન ડોલર ચુકવે છે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થી 10,200 કેનેડિયન ડોલરની ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ (GIC) ફંડ તરીકે જમા કરે છે.
રીપોર્ટ મુજબ 2008 સુધી દર વર્ષે માત્ર 38,000 પંજાબીઓ કેનેડાના વિઝા માટે અરજી કરતા હતા, પરંતુ હવે તેમાં અનેક ગણો વધારો થયો છે.
જલંધરની એક અગ્રણી ફોરેક્સ કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “પંજાબી માતા-પિતા દ્વારા તેમના બાળકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલવા માટેનો સરેરાશ ખર્ચ દર વર્ષે આશરે રૂ. 20 લાખ જેટલો છે. કેનેડામાં હાલમાં આશરે 3.4 લાખ પંજાબી વિદ્યાર્થીઓ છે. તેથી તેઓ વાર્ષિક ધોરણે રૂ.68,000 કરોડનો ખર્ચ કરે છે.