અમેરિકાએ જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં ભારતના વિદ્યાર્થીઓને રેકોર્ડ સંખ્યામાં વિઝા આપ્યા હતો. ભારતમાં યુએસ મિશનએ એક્સ (અગાઉ ટ્વિટર) પર જાહેરાત કરી હતી કે ભારતના એવા ઉમેદવારોને 90,000થી વધુ વિઝા આપવામાં આવ્યા હતાં, જેમણે યુએસમાં તેમનું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અરજી કરી હતી.
યુએસ મિશને કહ્યું હતું કે વિશ્વભરમાં પ્રત્યેક ચારમાંથી એક સ્ટુડન્ટ વિઝા ભારતીયોને જારી કરાયા હતા. ભારતીય વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા યુએસ મિશનએ કહ્યું હતું “તમામ વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ, જેમણે તેમના ઉચ્ચ શિક્ષણના લક્ષ્યોને વાસ્તવિક બનાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ પસંદ કર્યું છે.”
2022માં અમેરિકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સાથે વિશ્વનો ટોચનો દેશ બનવા માટે ભારતે ચીનને પાછળ છોડી દીધું હતું. 2020માં અમેરિકામાં લગભગ 207,000 ભારતીય વિદ્યાર્થીઓ હતાં.
તાજેતરના સમયગાળામાં ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ ફ્રાન્સે પણ ભારતમાંથી લગભગ 30,000 વિદ્યાર્થીઓને આવકારવાની તેની ઇચ્છા અને ધ્યેય વ્યક્ત કર્યો હતો. દેશ 2030 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવાના પ્રયાસો કરી રહ્યું છે.