અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળામાં આવનાર યાત્રીઓ માટે મોહનથાળનો પ્રસાદ આપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસથી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે. મેળામાં આવતા યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખી સમગ્ર મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રસાદ સમિતિ દ્વારા મેળા દરમિયાન જરૂરીયાત મુજબ રોજે રોજ પ્રસાદ બનાવવામા આવતો હતો. ગત વર્ષે મેળામાં આવેલા યાત્રાળુઓ અને આ વર્ષે મેળામાં આવનાર યાત્રિકોના અંદાજને ધ્યાનમાં રાખી ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવામાં આવ્યા હતા. જેમાં ૧૦૫૦ ઘાણ માટે કુલ- ૩,૫૯,૮૩૫ કિ.લો. બેસન, ઘી, ખાંડ અને ઇલાયચીનો વપરાશ કરવામાં આવ્યો હતો. જે પૈકી બેસન- ૧,૦૫,૦૦૦ કિ.લો., ઘી- ૭૮,૭૫૦ કિ.લો., (૫૨૫૦ ડબ્બા), ખાંડ- ૧,૫૭,૫૦૦ કિ.લો. અને ૨૧૦ કિ.લો. ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એજન્સીની દૈનિક ૮૦ ઘાણ બનાવવાની ક્ષમતા છે. ૮૦ ઘાણમાં ૩૦,૦૦૦ કિ.લો. પ્રસાદ બનતો હોય છે એટલે કે રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવ્યા હતા.