ઇસ્ટ લેસ્ટરના હેરવુડ સ્ટ્રીટ પર સ્થાપવામાં આવેલા ગણેશજીની પ્રતિમા પાસે વગાડવામાં આવતા ઢોલના કારણે નજીકમાં આવેલી મસ્જિદમાં પ્રાર્થના દરમિયાન વિક્ષેપ પડતો હોવાનું જણાવી ઢોલ વગાડવાનું બંધ કરાવવાના મામલે બન્ને સમુદાયના લોકો વચ્ચે ચકમક ઝરી ગઇ હતી. જો કે પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરતા મામલો થાળે પડી ગયો હતો.
આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ઇસ્ટ લેસ્ટરના હેરવુડ સ્ટ્રીટ ખાતે સ્થાપવામાં આવેલા ગણેશજીની પ્રતિમા પાસે રોડ પર તા. 19ના રોજ રાત્રે ઢોલ વગાડવામાં આવતા હતા. તેના કારણે નજીકમાં આવેલી મસ્જિદમાં પ્રાથર્ના દરમિયાન વિક્ષેપ પડતો હોવાનું જણાવી ઢોલ વગાડવાનું બંધ કરવા રજૂઆત કરાઇ હતી. જે અંગે બન્ને સમુદાયના લોકો વચ્ચે ચકમક ઝરી હતી. જો કે પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરતા મામલો થાળે પડી ગયો હતો.
Message from East Leicester NPA: pic.twitter.com/9oUvA0WUE6
— East Leicester Police (@LPEastLeics) September 21, 2023
ઇસ્ટ લેસ્ટર નેઇબરહુડ પોલીસે ટ્વીટર પર જણાવ્યું હતું કે ‘’હેરવુડ સ્ટ્રીટ પર બનેલી એક ઘટનાથી વાકેફ છીએ જ્યાં ઉજવણીના કારણે સ્થાનિક સમુદાયમાં તણાવ પેદા થયો હતો. અમે ઇચ્છીએ છીએ કે તમામ સમુદાયો તહેવારો સુરક્ષિત રીતે ઉજવે. અમે આયોજકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે તેઓ કોઈપણ સરઘસ, ઉજવણી અથવા કાર્યક્રમોની પોલીસ અને કાઉન્સિલને અગાઉથી સૂચના આપે. અમે આયોજકો અને સ્થાનિક સમુદાયો સાથે સમસ્યાઓ ઉભરી આવે તે પહેલાં તેને સંબોધવા અને કાયદેસર અને આદરપૂર્ણ રીતે ઉજવણીને સમર્થન આપવા માટે કામ કરવા માંગીએ છીએ.’’
પોલીસે જણાવ્યું હતું કે ‘’સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે અને અમે તમારી ચિંતાઓને સાંભળવા તત્પર છીએ. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર તમે સાચા હો કે જાણતા હો તેવી જ માહિતી શેર કરો. જો તમે ચિંતિત હો તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.’’
તે પછી પોલીસે ટ્વીટર પર અપડેટ આપતાં 21 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે ‘’અમારી સાથે કામ કરતા તથા લોકોને શાંત રહેવાનું આહ્વાન કરનાર અમે તમામ સમુદાયો, આગેવાનો તથા કાઉન્સિલરોનો આભાર માનીએ છીએ. સમુદાયો સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ. બેલગ્રેવ રોડ અને હેરવુડ સ્ટ્રીટ પરની તાજેતરની ઘટના અંગે અમારી તપાસ ચાલુ છે.’’
તે પહેલા તા. 20ના રોજ પોલીસે ટ્વીટર પર જણાવ્યું હતું કે ‘’ગઈકાલે રાત્રે અસામાજિક વર્તણૂક (ASB)ના અહેવાલોને પગલે પોલીસ સ્થાનિક વિસ્તારોમાં વધારાનું પેટ્રોલિંગ કરી રહી છે. હેરવુડ સ્ટ્રીટમાં બનેલી ઘટના બાદ, અમે અને કાઉન્સિલે વધુ પડતા અવાજ અને અસામાજિક વર્તણૂક (ASB) બાબતે સંખ્યાબંધ ચેતવણી પત્રો જારી કર્યા છે અને અમે દરેકને સલામત, કાયદેસર અને પડોશીઓ તથા વિશાળ સમુદાય માટે આદરણીય હોય તેવી ઉજવણી કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. કૃપા કરીને તમારા પડોશીઓનો વિચાર કરવા વિનંતી કરીએ છીએ.’’
પોલીસે જણાવ્યું હતું કે ‘’આ બાબતે ત્યાં અન્ય કોઈ ગુનાઓ બન્યા છે કે કેમ તે જાણવા CCTVની સમીક્ષા ઉપરાંત અન્ય રીતે ડિટેક્ટીવ ઈન્સ્પેક્ટર ઘટનાની તપાસ કરશે અને જેમ જેમ શંકાસ્પદ લોકોની ઓળખ થશે તેમ તેમ અમે યોગ્ય પગલાં લઈશું.’’