મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવાર સવારે ઓમકારેશ્વરમાં 8મી સદીના વૈદિક વિદ્વાન અને શિક્ષક આદિ શંકરાચાર્યની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ઓમકારેશ્વર રાજ્યના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું મંદિરોનું શહેર છે, જ્યાં શંકરાચાર્યની આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન શિવને સમર્પિત 12 જ્યોતિર્લિંગોમાંથી એક ઓમકારેશ્વરમાં સ્થિત છે.
8મી સદીના ફિલોસોફર અને હિંદુ ધર્મમાં આદરણીય શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ (આદિ શંકરાચાર્યની પ્રતિમા) નામ આપવામાં આવ્યું છે. આ વિશાળ પ્રતિમા નર્મદા નદીના કિનારે મનોહર માંધાતા ટેકરી પર સ્થિત છે.
5000 સાધુ-સંતો, સન્યાસીઓ, આચાર્ય અને મહામંડલેશ્વર તથા વિદ્વાનોની ઉપસ્થિતિમાં શિવરાજસિંહ ચૌહાણ મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ અનાવરણ ‘એકાત્મ ધામ’ના રૂપમાં સનાતન ધર્મના કપાળ પર એક મંગળ તિલક છે. તેના નિર્માણ માટે 27,000 પંચાયતોમાંથી વિવિધ ધાતુઓ એકત્ર કરવામાં આવી છે. શિવરાજ સિંહ ચૌહાણે ઋષિ-મુનિઓ અને વિદ્વાનોનું ધાર્મિક પરંપરા મુજબ સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ મુખ્યપ્રધાન અને પૂજનીય સંતો દ્વારા વૈદિક યજ્ઞ અનુષ્ઠાનમાં આહૂતિ આપવામાં આવી હતી.
આ અવસર પર દેશભરમાંથી શૈવ પરંપરાના નૃત્યોના પ્રદર્શનની સાથે જ ભારતીય પ્રદર્શનકારી શૈલીઓના કલાકારો દ્વારા આચાર્ય દ્વારા પંચાયતન પૂજા પરંપરાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ વનનેસનું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન માંધાતા પર્વત પર નિર્માણ થનાર અદ્વૈત લોકનું ભૂમિ અને શિલા પૂજન પણ કરવામાં આવ્યું હતું.