મીડિયા માંધાતા રુપર્ટ મર્ડોકે ગુરુવારે જાહેરાત કરી કે તેઓ ફોક્સ અને ન્યૂઝ કોર્પના ચેરમેન પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમનો પુત્ર લચલાન મર્ડોક ન્યૂઝ કોર્પના એકમાત્ર ચેરમેન બનશે તથા ફોક્સના અધ્યક્ષ અને સીઈઓ તરીકે ચાલુ રહેશે. 92 વર્ષના રૂપર્ટ મર્ડોક હવે ચેરમેન એમેરિટસ તરીકે બંને બિઝનેસનું નેતૃત્વ કરશે.
મર્ડોકે કર્મચારીઓને એક મેમોમાં લખ્યું હતું કે ‘મારા સમગ્ર વ્યવસાયિક જીવનમાં હું દરરોજ સમાચાર અને વિચારો સાથે જોડાયેલો રહ્યો છું અને તે બદલાશે નહીં. પરંતુ મારા માટે જુદી જુદી ભૂમિકાઓ નિભાવવાનો આ સમય યોગ્ય છે. અમારી પાસે ખરેખર પ્રતિભાશાળી ટીમો છે અને લચલાનમાં એક જુસ્સાદાર, સિદ્ધાંતવાદી નેતા છે જે બંને કંપનીઓના એકમાત્ર અધ્યક્ષ બનશે
મર્ડોકે 1996માં CNNના સ્ટાર્ટઅપ હરીફ તરીકે ફોક્સ ન્યૂઝની શરૂઆત કરી અને આખરે યુનાઇટેડ સ્ટેટ્સમાં નંબર વન કેબલ ન્યૂઝ ચેનલ બની હતી. ફોર્બ્સ અનુસાર મર્ડોકની સંપત્તિ લગભગ $17 બિલિયન હોવાનું માનવામાં આવે છે. તેમના સામ્રાજ્યમાં ફોક્સ ન્યૂઝ, ધ વોલ સ્ટ્રીટ જર્નલ, ધ ન્યૂ યોર્ક પોસ્ટ અને વિશ્વભરની અન્ય મીડિયા એસેટ્સનો સમાવેશ થાય છે. મીડિયા માંધાતાને તેમના પ્રથમ ત્રણ લગ્નોના છ બાળકો છે.