પોલીસ પર હુમલાના આક્ષેપસર બોબી રેસ્ટોરંટના ધર્મેશ લાખાણીની ધરપકડ

લેસ્ટરમાં બેલગ્રેવ રોડ પર શિવાલય મંદિર નજીક ગણેશ ચતુર્થી પ્રસંગે ભગવાન ગણેશજીની પ્રતિમાને લઇને આવતા સમુહને અવરોધીને પોલીસે પૂજારીને કથિત રીતે ધક્કે ચઢાવાતા વ્યાપક રોષ ફેલાયો છે. પૂજારીનું અપમાન થતું જોઇને શાંતિથી રજૂઆત કરતા મહિલા–પુરૂષો પૈકી બોબી રેસ્ટોરંટના શ્રી ધર્મેશ લાખાણીની પોલીસ પર હુમલો કરવાના આરોપસર સ્થળ પર જ હાથકડી પહેરાવીને ધરપકડ કરાઇ હતી. બીજી તરફ હિન્દુઓને વગર કરાણે નિશાન બનાવવાનો આરોપ મૂકી વિવિદાસ્પદ અભિગમ અપનાવી પૂજારીને ધક્કે ચઢાવનાર પોલીસ અધિકારી આદમ અહેમદની વર્તણુંક સામે વિરોધ વ્યક્ત કરી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

લેસ્ટરશાયર પોલીસે બુધવારે એક સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોના સંદર્ભમાં જણાવ્યું હતું કે ‘’કથિત રીતે ભારતીય મૂળના પુરુષો અને સ્ત્રીઓના જૂથ અને એક પોલીસ અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. અમે પુષ્ટિ કરી શકીએ છીએ કે તા. 18મી સપ્ટેમ્બરને સોમવારની સાંજે લેસ્ટરના બેલગ્રેવ રોડ પર ઇમરજન્સી વર્કર પર હુમલાની શંકામાં 55 વર્ષની વયના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ ચાલુ રાખી તેને તપાસ હેઠળ છોડી દેવામાં આવ્યો છે.’’

પોલીસે જણાવ્યું હતું કે “અધિકૃત ધાર્મિક ઉત્સવની ઉજવણી વહેલી સાંજે સફળતાપૂર્વક કરવામાં આવી હતી. અમે સમજીએ છીએ કે તે પછી એક વધારાનું બિનઆયોજિત (પરવાનગી વગરનું) સરઘસ શેરીમાં ચાલી રહ્યું હોવાનું જણાયું હતું. જે તે સરઘસ કાનૂની આવશ્યકતાઓ મુજબનું હોય તે જરૂરી છે અને તેથી અધિકારીઓએ આયોજકની વિગતો સ્થાપિત કરવા માટે ભીડ સાથે જોડાવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આ ઘટના બની હતી.”

પોલીસે જણાવ્યું હતું કે ‘’દરેક વ્યક્તિ સલામત રીતે ઉજવણી કરી શકે તેની ખાતરી કરવા માટે તેના અધિકારીઓ સ્થાનિક સમુદાય અને કોઈપણ ઉજવણીમાં સામેલ લોકો સાથે જોડાવાનું ચાલુ રાખે છે. અમે કોઈપણ કાર્યક્રમના આયોજકોને તેમના ઉત્સવની કાઉન્સિલને જાણ કરવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત કરીએ છીએ જેથી સમાવિષ્ટ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને વિસ્તારમાં ટ્રાફિકના યોગ્ય પ્રવાહને સુનિશ્ચિત કરવા માટે કાર્યક્રમને યોગ્ય રીતે સમર્થન મળી શકે.”

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસનું આ નિવેદન ગણેશ ચતુર્થી શોભાયાત્રા દરમિયાન પોલીસ અધિકારી આદમ અહમદ દ્વારા કથિત રીતે હિન્દુ પૂજારી માધુભાઇ શાસ્ત્રીને ધક્કા મારવાના પગલે આવ્યું હતું. હિન્દુ અગ્રણીઓએ રજૂઆત કરી છે કે આખો મામલો શાંતિથી ઉત્સવની ઉજવણી કરતા હિન્દુઓ સાથે વાતચીત કરીને ઉકેલવાનો હતો. પરંતુ પોલીસે અને ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ આદમ અહમદે વગર કારણે તેને ઉગ્ર સ્વરૂપ આપ્યું હતું અને વયોવૃધ્ધ પૂજારી મઘુભાઇ શાસ્ત્રીનો હાથ ખેંચી ધક્કે ચઢાવ્યા હતા. જેને કારણે બોબી રેસ્ટોરંટના માલીક ધર્મેશભાઇ લાખાણીએ દરમિયાનગીરી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના કારણે તેમની હાથકડી પહેરાવી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પણ ખેંચી જવાયા હતા.

હિન્દુ અગ્રણીઓએ સોસ્યલ મિડીયા પર વાઇરલ થયેલા વિડીયો ફૂટેજનો હવાલો આપતાં જણાવ્યું હતું કે ‘’તમે વિડીયોમાં પણ જોઇ શકો છો કે મહિલા પુરૂષોનું જુથ શાંતિપૂર્વક રજૂઆત કરતું હતું અને સૌ કોઇ પોતાના ફોનમાં ફૂટેજ રેકોર્ડ કરતા હતા. પરંતુ ગણ્યાંગાઠ્યા પોલીસોએ જાણે કે ઉગ્ર ટોળા સાથે વ્યવહાર કરવાનો હોય તેવો અભિગમ અપનાવીને અક્રમક રૂખ અપનાવ્યું હતું અને વયોવૃધ્ધ પૂજારીનો હાથ ખેંચી ધક્કે ચઢાવાયા હતા.

ડાયસ્પોરા જૂથ ઈનસાઈટ યુકે કોમ્યુનિટી ગ્રુપે ટ્વિટ કરી જણાવ્યું હતું કે “લેસ્ટરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં વિક્ષેપ પડ્યો. લેસ્ટરશાયર પોલીસના સાર્જન્ટ આદમ અહેમદ દ્વારા હિંદુ પૂજારીને ધક્કે ચઢાવવામાં આવ્યા.” અન્ય ટ્વીટમાં જણાવાયું હતું કે ‘’હિન્દુ સમુદાય જવાબને પાત્ર છે. શું આવા બળ જરૂરી હતું? શું વાતચીત દ્વારા આનો ઉકેલ ન આવી શક્યો હોત?  હિંદુ પૂજારીને શા માટે સાર્જન્ટ અહેમદ દ્વારા ધક્કે ચઢાવવામાં આવ્યા?

ગણેશ મહોત્સવની ઉજવણી કરતા હિન્દુઓ સાથે થયેલા આ વ્યવહાર અંગે મિડલેન્ડ્સ કેરના શ્રી શ્યામલ રાજાએ લેસ્ટરશાયરના ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સનને એક પત્ર લખી પીસી આદમ અહેમદ સામે પગલા ભરવા માંગણી કરી રોષ વ્યક્ત કર્યો હતો. તો અન્ય હિન્દુ અગ્રણી કપિલ દૂદકીયાએ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને પત્ર પાઠવી કાયદેસર પગલા ભરવા વિનંતી કરી હતી. લેસ્ટર પોલીસે આ અંગે તપાસ કરાશે તેવી બાંહેધરી આપી હોવાના છે.

LEAVE A REPLY