બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ યુગના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની સેન્ટ્રલ લંડનના મોકાના સ્થળે આવેલી ઓલ્ડ વૉર ઑફિસ (OWO)નું મલ્ટી-મિલિયન પાઉન્ડના ખર્ચે તદ્દન નવી લક્ઝરી હોટેલમાં નવનિર્માણ કર્યા પછી હિન્દુજા જૂથ દ્વારા બનાવાયેલ હોટેલ ‘રેફલ્સ લંડન’નું સત્તાવાર ઉદઘાટન 29 સપ્ટેમ્બરના રોજ થનાર છે.
હિન્દુજા પરિવારે આઠ વર્ષ પહેલાં ડાઉનિંગ સ્ટ્રીટની સામે આવેલી વ્હાઇટહોલ પરની સીમાચિહ્ન ઇમારત હસ્તગત કરી તેને વૈભવી રહેઠાણો, રેસ્ટોરન્ટ્સ અને સ્પા સાથે સંપૂર્ણ એક અસાધારણ હબમાં પરિવર્તન કરવા ફ્રેન્ચ મલ્ટીનેશનલ હોસ્પિટાલિટી ગ્રૂપ એકોરના રેફલ્સ હોટેલ્સ સાથે જોડાણ કર્યું હતું.
પ્રોજેક્ટની દેખરેખ કરનાર સંજય હિન્દુજાએ જણાવ્યું હતું કે ‘’જ્યારે અમે વ્હાઈટહોલમાં આવ્યા ત્યારે આ ભવ્ય ઈમારતના કદ અને સુંદરતા જોઈને ટીમ અંજાઈ ગઈ હતી. તેને ભૂતપૂર્વ ગૌરવમાં પાછી લાવવા અને તેના વારસાને શ્રદ્ધાંજલિ આપવા માટે ખર્ચની કોઇ કમી રાખવામાં આવી નથી. ધ OWO ખાતે રેફલ્સ લંડનની સાથે, અમે એક એવો વારસો બનાવવાની આશા રાખીએ છીએ જે કાલાતીત અને અજોડ હશે.”
1906 બંધાઇને પૂર્ણ થનાર ઓલ્ડ વોર ઓફિસને બ્રિટિશ આર્કિટેક્ટ વિલિયમ યંગ દ્વારા ડિઝાઇન કરાઇ હતી. વિન્સ્ટન ચર્ચિલ અને ડેવિડ લોયડ જ્યોર્જ જેવા પ્રભાવશાળી રાજકીય અને લશ્કરી નેતાઓ યુકેમાં આ ઓફિસ સંભાળતા હતા જે વિશ્વને આકાર આપતી ઘટનાઓનું સાક્ષી બની છે.
એકોરના ચેરમેન અને CEO, સ્બાસ્ટિયન બેઝિને જણાવ્યું હતું કે, “એકોર ખાતેના દરેક વ્યક્તિ આ ઐતિહાસિક પ્રોજેક્ટનો ભાગ બનવા માટે સન્માનિત અને વિશેષાધિકૃત અનુભવે છે, જેણે તમામ અપેક્ષાઓ વટાવી દીધી છે અને તે ગ્રહ પરની સૌથી પ્રેરણાદાયી હોટેલ બની છે.’’
OWO માં 120 ગેસ્ટ રૂમ અને સ્યુટ્સ, ડાઇનીંગ રૂમ્સ, ભવ્ય બોલરૂમ સહિત મનોરંજનની વિશાળ જગ્યાઓ છે. તો હેરિટેજ સ્યુટ્સ, તેના ઇતિહાસ સાથે સંકળાયેલા પ્રભાવશાળી રાજકીય અને લશ્કરી નેતાઓના ભૂતપૂર્વ કાર્યાલયોનો સમાવેશ થાય છે.