સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડના સરે સ્થિત વોકિંગમાં પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવેલી 10 વર્ષની બાળકી સારા શરીફની હત્યા બદલ તેના પાકિસ્તાની પિતા ઉર્ફાન શરીફ, તેની ઓરમાન માતા બેનાશ બતુલ અને કાકા ફૈઝલ શહઝાદ મલિક પર શુક્રવારે હત્યાનો આરોપ મૂકાયો હતો. ત્રણેય ગિલ્ડફર્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા બાદ તેમને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
પાકિસ્તાનમાં પોલીસ દ્વારા ટ્રેસ કરાયા પછી ત્રણેય જણા દુબઈથી ફ્લાઈટમાં તા. 13ના રોજ બુધવારે સાંજે ગેટવિક એરપોર્ટ પર આવી પહોંચતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
સરે પોલીસે તા. 10 ઓગસ્ટના રોજ તેના પિતાએ કરેલા કોલ બાદ સારા શરીફનો મૃતદેહ તેમના વોકિંગના ઘરેથી શોધી કાઢ્યો હતો. તેઓ ત્રણેય જણા પાકિસ્તાન ભાગી ગયા હતા જેમને ઈસ્લામાબાદમાં ટ્રેસ કરાયા હતા. પોસ્ટમોર્ટમ તપાસમાં સારાને “વ્યાપક ઈજાઓ” થઈ હોવાનું જણાયું હતું. તેની પોલિશ મૂળની માતા, ઓલ્ગા શરીફને આ બધા અંગે જાણ કરવામાં આવી હતી.
સારાને એકથી 13 વર્ષની વયના પાંચ ભાઈ-બહેનો છે જેઓ પણ શરીફ સાથે પાકિસ્તાન ગયા હતા અને તેમને પાકિસ્તાનમાં પોલીસે શરીફના પિતાના ઘરેથી શોધી કાઢ્યા હતા. જેમને પાકિસ્તાનમાં સરકારી બાળ સંભાળ ફેસેલીટીમાં ખસેડવામાં આવ્યા હતા.
આ કેસની તપાસ પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે ઇન્ટરપોલ, યુકેની નેશનલ ક્રાઇમ એજન્સી (NCA) અને ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) સહિતની આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જોડાઇ હતી.