2021માં ક્રિસમસના દિવસે વિન્ડસર કાસલ ખાતે પોતે રાણી એલિઝાબેથ દ્વિતીયને મારવા આવ્યો છે એવું કહીને રાજદ્રોહ કર્યાનું સ્વીકારનાર બ્રિટિશ શીખ યુવાન જસવંત સિંહ ચૈલે રાજા ચાર્લ્સ III અને શાહી પરિવારની માફી માંગી છે અને તે શરમ અનુભવે છે.
21 વર્ષના જસવંત સિંહ ચૈલે દાવો કર્યો હતો કે તે અમૃતસરમાં 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલા લેવા માટે તે સ્વર્ગસ્થ રાણીની હત્યા કરવા માંગે છે. તેની ધરપકડ પછી તરત જ બહાર આવેલા એક સોશિયલ મીડિયા વિડિયોમાં તેણે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે એક પત્ર લખ્યો હોવાનું અને સ્વર્ગસ્થ રાણીને નુકસાન પહોંચાડવાની ઇચ્છા દર્શાવતો વિડિયો બનાવી ધરપકડ પહેલા કેટલાક ગૃપ્સને મોકલ્યો હતો.
જસ્ટિસ નિકોલસ હિલિયર્ડ લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં કેસના પુરાવાઓની સુનાવણી કરી રહ્યા છે અને આવતા મહિનાની શરૂઆતમાં સજા સંભળાવશે.
તેના પિતા, એરોસ્પેસમાં કામ કરતા સોફ્ટવેર કન્સલ્ટન્ટ છે અને માતા સ્પેશ્યલ નીડ્સ ટીચર છે તો તેની જોડિયા બહેનો યુનિવર્સિટીમાં ભણે છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત ચેઇલે સરાઈ નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ “ગર્લફ્રેન્ડ” દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હોવાનું અને તે ‘સ્ટાર વોર્સ’ના આકર્ષણથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે.
બર્કશાયરમાં ઉચ્ચ સુરક્ષા ધરાવતી માનસિક હોસ્પિટલ બ્રોડમૂરમાંથી વિડિયો લિંક દ્વારા ચેઇલ કોર્ટમાં હાજર થયો હતો. બનાવ સમયે બે અધિકારીઓએ તેને જોયો હતો. ત્યારે તેણે કાળા કપડાં અને હાથથી બનાવેલો ધાતુનો માસ્ક પહેર્યો હતો. તેની પાસે ક્રોસબો પણ હતો.