ખાલિસ્તાની ત્રાસવાદીની હત્યામાં ભારતીય એજન્ટનો સંડોવણીનો હોવાના કેનેડાના ગંભીર આક્ષેપ પછી બંને દેશોના સંબંધો વધુને વધુ ખરાબ થઈ રહ્યાં છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓની હકાલપટ્ટી કર્યા પછી એકબીજાના દેશોના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે.
કેનેડાની સરકારે મંગળવારે તેની ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરીને જણાવ્યું હતું કે તેના નાગરિકો અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની તમામ મુસાફરી કરવાનું ટાળે. અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની તમામ મુસાફરી ટાળો. આતંકવાદ, નાગરિક અશાંતિ અને અપહરણનો ખતરો છે. આ એડવાઈઝરી લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશમાં અથવા તેની અંદરની મુસાફરીને બાકાત રાખે છે.
કેનેડાની આ હિલચાલ પછી ભારતના વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરીને ભારતીય નાગરિકોને કેનેડાના કેટલાંક વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “કેનેડામાં વધતી જતી ભારત વિરોધી ગતિવિધિઓ અને રાજકીય રીતે માફ કરાયેલા હેટ ક્રાઇમ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકો અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવધાની રાખવા વિનંતી કરવામાં આવે છે. તાજેતરમાં, ભારતીય રાજદ્વારીઓ અને ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરતાં ભારતીય સમુદાયના વર્ગોને ટાર્ગેટ કરાયા છે. તેથી ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કેનેડામાં એવા પ્રદેશો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં આવી ઘટનાઓ જોવા મળી હોય
ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી ગયા હતા. ભારત સરકારના એજન્ટો ઉપર ખાલિસ્તાનની ઉગ્રવાદી અને કેનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો ગંભીર આરોપ મુકી કેનેડાએ ભારતના એક ટોચના રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં તરીકે ભારત ખાતેના કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી.
અગાઉના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય પુરાવા” છે. ભારત સરકારે આ આરોપ “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢ્યો હતો. કેનેડાએ આવો આક્ષેપ કરીને એક વરિષ્ઠ ભારતીય રાજદૂતની હકાલપટ્ટીનું ફરમાન કર્યું હતું. આ રાજદૂત પવન કુમાર રાય કેનેડામાં ભારતની જાસૂસી સંસ્થા રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના વડા હોવાનું કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું હોવાનું કેનેડાના બ્રોડકાસ્ટર સીબીસીએ જણાવ્યું હતું.
ભારતે પણ વળતા પ્રહારમાં જેવા સાથે તેવાનો અભિગમ દર્શાવી મંગળવારે સવારે કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને ભારતની આંતરિક બાબતોમાં દખલ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીનો આરોપ મૂકીને હાંકી કાઢ્યા હતાં. ભારતે પણ ઓલિવિયર સીલ્વેસ્ટરને કેનેડિયન ગુપ્તચર એજન્સીના વરિષ્ઠ અધિકારી ગણાવી તેને પાંચ દિવસમાં ભારત છોડી જવાનું ફરમાન કર્યું હતું. આ નિર્ણયની જાણ ભારતમાં કેનેડિયન હાઈકમિશનના વડાને કરાઈ હતી.
દિલ્હીમાં તાજેતરમાં જી-20 સમીટ પછી ભારત અને કેનેડાના સંબંધો વધુ તંગ બન્યાં હતા. G20 સમિટ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહનને મુદ્દે કેનેડિયન વડાપ્રધાનક્ષ જસ્ટિન ટ્રુડોને ખખડાવ્યાં હતા. આ પછી કેનેડાએ ભારતમાં ઓક્ટોબરમાં જનારા તેના ટ્રેડ મિશનની યાત્રા મોકૂફ રાખી હતી.