અમેરિકામાં પ્રેસિડેન્ટપદ માટે આવતા વર્ષે યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારો વચ્ચે જંગ જામી રહ્યો છે. રીપબ્લિકન પ્રેસિડેન્ટપદની દાવેદારીની સ્પર્ધામાં નિક્કી હેલી એક સર્વેમાં પોતાના ભૂતપૂર્વ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ કરતા 28 પોઇન્ટ પાછળ છે, પરંતુ પોતાના વતનના રાજ્ય-સાઉથ કેરોલાઈનામાં એક સર્વેમાં તેઓ ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ કરતા આગળ છે.
14 સપ્ટેમ્બરે મોનમાઉથ યુનિવર્સિટી-વોશિંગ્ટન પોસ્ટ દ્વારા થયેલા એક સર્વેના તારણો મુજબ સાઉથ કેરોલાઈનામાં સંભવિત રીપબ્લિકન પ્રાથમિક મતદારોમાંથી ફક્ત 18 ટકા લોકોએ કહ્યું હતું કે, તેઓ પોતાના ભૂતપૂર્વ ગવર્નરને મત આપવાનું વિચારી રહ્યા છે, જ્યારે 46 ટકાએ કહ્યું કે, તેઓ ટ્રમ્પને ઇચ્છે છે.
યુએસએ ટુડેના રીપોર્ટ મુજબ આ સર્વેમાં સેનેટર ટિમ સ્કોટ 10 ટકા મત સાથે ત્રીજા સ્થાને અને ત્યાર પછીના ક્રમે નવ ટકા સાથે ડીસેન્ટિસ હતા.
ગત મહિને યોજાયેલી પ્રથમ રીપબ્લિકન પ્રાથમિક પ્રેસિડેન્શિયલ ડીબેટ પછી, નિક્કી હેલીની તરફેણમાં વધારો થયો હતો. તેઓ ફેબ્રુઆરીથી ચૂંટણીમાં પાછળ હતા. નિક્કી હેલીએ તાજેતરમાં સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે, ટ્રમ્પ નહીં પરંતુ પોતે 2024માં પાર્ટીનાં પ્રેસિડેન્ટ પદની ઉમેદવારીના મજબૂત દાવેદાર છે.
તેમણે સીબીએસ પર ‘ફેસ ધ નેશન’ને જણાવ્યું હતું કે, “હું નથી માનતી કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર હશે, હું જ ઉમેદવાર બનીશ. પરંતુ હું તમને કહીશ કે, જો બાઇડેન અને કમલા હેરિસ કરતા કોઇપણ રીપબ્લિકન ઉમેદવાર સારો હશે.” 6થી 11 સપ્ટેમ્બર વચ્ચે થયેલા આ સર્વેમાં એવું જાણવા મળ્યું હતું કે, ટ્રમ્પને મત આપનારા અને સાઉથ કેરોલાઈનાના અન્ય રીપબ્લિકન મતદારો વચ્ચે શું તફાવત છે. ટ્રમ્પના સમર્થક અંદાજે 81 ટકા મતદારો માનતા હતા કે, જો બાઇડેને 2020માં છેતરપિંડી કરીને જીત મેળવી હતી. કેલિફોર્નિયામાં 27 સપ્ટેમ્બરે બીજી રીપબ્લિકન પ્રાથમિક ડીબેટના બે દિવસ અગાઉ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સમરવિલે-સાઉથ કેરોલિનામાં ફરીથી કેમ્પેઇન કરશે.